Sun Jul 12 2026

Logo

ઈરાને ફરીવાર બંધ કર્યું હોર્મુઝ સ્ટ્રેટ, ભારતને મુશ્કેલી નહીં પણ ક્રૂડમાં ભાવ વધારાના એંધાણ

Tehran   2026-06-11 08:30:00
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ અમેરિકાએ ફરીવાર ઈરાન પર હુમલો કરીને સમગ્ર મિડલ ઈસ્ટનું ટેન્શન વધારી દીધું છે. ઈરાને પણ વળતો હુમલો કરીને અમેરિકાને જડબાતોડ જવાબ આપી દીધો છે. બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા પોતાની શરતો પર ઈરાનને મનાવવા માટે અને સીઝફાયર પર ફરજિયાત સહકાર માટે દબાણ કરી રહ્યો છે. અન્યથા અમેરિકા હુમલાઓ ચાલું રાખશે એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ ધમકીના જવાબમાં ઈરાને અતિ મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. 

ઓઈલ સપ્લાયનો ચેકપોઈન્ટ બંધ
ઈરાને સામી ધમકી આપતા કહ્યું કે, જે કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે એના પર હુમલો કરી દેવાશે. તેલ ટેન્કર અને કમર્શિયલ વ્હીકલ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી શકશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ફરીવાર બંધ થઈ જતા ભારતની ચિંતા વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વધુ મહત્ત્વ ધરાવતો જળમાર્ગ છે. સૌથી વધારે વ્યસ્ત રહેતો માર્ગ છે, જે ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. ઓઈલ ચેકપોઈન્ટ તરીકે ઓળખાતા જળમાર્ગમાંથી દુનિયાના 20 ટકા જહાજ પસાર થાય છે. આ વોટરરૂટ હવે બંધ થઈ જતા ભારત સહિત અન્ય દેશની ચિંતા પણ રાતોરાત વધી છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને દુબઈ જેવા મહત્ત્વના ખાડી દેશમાં પ્રોસેસ થતું ક્રૂડ પર આ જ જળમાર્ગ થકી બીજા દેશમાં જાય છે. તેથી આ દેશની ચિંતા પણ વધી છે. 

ક્રૂડના ભાવમાં વધારો થવાના એંધાણ
હવે ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે લાંબા સમય સુધી આ જળમાર્ગ બંધ રહ્યો તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિંમતમાં તથા ક્રૂડની કિંમતમાં ફરીવાર મોટો વધારો જોવા મળશે. ભારતમાં આવતું 50 ટકા ક્રૂડ અને 70 ટકા ગેસ આ જ જળમાર્ગમાંથી થકી ભારત પહોંચે છે. પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડતો આ જળમાર્ગ સંપૂર્ણ રીતે ઈરાનના કબજામાં છે, જે ભારતની ક્રૂડ તથા ગેસની સપ્લાયને સીધી રીતે અસર કરે છે. ભારત મિત્ર દેશની યાદીમાં આવે છે તેથી ભારતીય જહાજને અહીંયાથી પસાર થવાની પૂરી રીતે મંજૂરી છે. યુદ્ધની સ્થિતિ હોવા છતા ભારતીય જહાજને અહીંયાથી પસાર થવા દેવામાં આવે છે અને કોઈ હુમલો કરાશે પણ નહીં. 

ઈરાનની ચાંપતી નજર રહેશે
ઈરાનો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એશિયાના બાકીના દેશની ચિંતામાં એકાએક વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે,ઘણા જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીઓમાં હતા, એવામાં અમેરિકાએ હુમલો કરી દેતા અને ઈરાને એનો જવાબ આપતા ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અટવાયેલા જહાજની મુશ્કેલી વધી ગઈ છે. દિવસ કરતા રાત પસાર કરવી વસમી પડી રહી છે. ઈરાનના ગાર્ડ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા બાજુ આગળ વધતા જહાજને લઈને ઈરાને ચાંપતી નજર રાખી છે.