પેલેથી માંડીને મેસી-રોનાલ્ડો સુધીની ખાસ ક્લબમાં સામેલ ખેલાડીઓ
ન્યૂ યૉર્કઃ ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં અમુક ખેલાડીઓએ એવી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે જેણે તેમને હંમેશાં માટે ખાસ બનાવી છે. પેલે, લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વિક્રમો એના સૌથી મોટા ઉદાહરણો છે.
ફિફા વર્લ્ડ કપ માત્ર 90 મિનિટની મૅચો અને ટ્રોફી જીતવાની સ્ટોરી નથી. ફૂટબૉલની આ સર્વોચ્ચ ટૂર્નામેન્ટ એવા ખેલાડીઓના નામ પણ સુવર્ણ અક્ષરે લખાવે છે જેમણે મેદાન પર એવા વિક્રમો બનાવ્યા છે જે તોડવા વર્તમાન પેઢીના કે આવનારી પેઢીના ખેલાડીઓ માટે જરાય આસાન નહીં હોય.
બ્રાઝિલના પેલે (Pele) ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ જીતનારા એકમાત્ર ખેલાડી છે. દાયકાઓ થઈ ગયા છતાં તેમની બરાબરી ભલભલો ફૂટબોલર નથી કરી શક્યો. પેલે 1958, 1962 અને 1970માં વર્લ્ડ કપ જીત્યા હતા. માત્ર 17 વર્ષની ઉંમરે પેલેએ 1958માં બ્રાઝિલની ટીમ સાથે પહેલી વખત વર્લ્ડ કપની જીત માણી હતી.
આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી (Messi) ફિફા વર્લ્ડ કપમાં બે વખત ગોલ્ડન બૉલ અવૉર્ડ જીતી ચૂક્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી છે. તેણે પહેલી વખત 2014માં અને ત્યાર બાદ 2022માં આર્જેન્ટિનાને ટ્રોફી અપાવવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. 2022માં તેને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ પણ અપાયો હતો.
પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo) પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનારો એકમાત્ર ખેલાડી છે. તેણે 2006, 2010, 2014, 2018 અને 2022માં એક કે એક કરતાં વધુ ગોલ કર્યા હતા.