નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે બજારમાં ભારે ચંચળતાનું વલણ રહ્યું હોવાથી ગત મે મહિનામાં ઈક્વિટી સંલગ્નિત મ્યુચ્યુઅલ ફંડોની વિવિધ સ્કીમોમાં ચોખ્ખો આંતરપ્રવાહ ઘટીને બાર મહિનાના તળિયે રૂ. 22,908 કરોડની સપાટીએ રહ્યો હતો. તેમ જ આગલા એપ્રિલ મહિનાના રૂ. 38,440 કરોડનાં આંતરપ્રવાહ સામે 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એકંદરે ગત મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ખાસ કરીને ડેબ્ટલક્ષી સ્કીમોમાં વેચવાલીનું દબાણ વધુ રહેતાં આગલા એપ્રિલ મહિનામાં જોવા મળેલા રૂ. 3.22 લાખ કરોડનાં આંતરપ્રવાહ સામે રૂ. 64,131 કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો હતો. તેમ જ મહિનાના અંતે ઉદ્યોગની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (ઓમ્સ)આગલા મહિનાના રૂ. 81.92 લાખ કરોડ સામે ઘટીને રૂ. 81.6 લાખ કરોડની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં ઈક્વિટી સ્કીમોમાં ચોખ્ખો આંતરપ્રવાહ આગલા એપ્રિલ મહિનાના રૂ. 38,440 કરોડ સામે ઘટીને રૂ. 22,908 કરોડના સ્તરે રહ્યો હતો. તે પૂર્વે જાન્યુઆરી મહિનામાં રૂ. 24,028 કરોડનો, ફેબ્રુઆરી મહિનામાં રૂ. 25,978 કરોડનો અને માર્ચ મહિનામાં રૂ. 40,450 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. જોકે, તાજેતરનો અથવા તો ગત મે મહિનાનો આંતરપ્રવાહ મે, 2025ના રૂ. 19,013 કરોડનાં આંતરપ્રવાહ પછીનો સૌથી ઓછો આંતરપ્રવાહ રહ્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું.
ગત મે મહિનામાં ઈક્વિટીની શ્રેણીમાં ફ્લેક્સીકેપ ફંડમાં સૌથી વધુ રૂ. 5175 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સ્મોલકેપ ફંડોમાં રૂ. 4945 કરોડનો, મિડકેપ ફંડમાં રૂ. 4385 કરોડનો અને લાર્જકેપ ફંડમાં સૌથી ઓછો રૂ. 1593 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. બીજી તરફ ડિવિડન્ડ યિલ્ડ ફંડ અને ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમોમાં ગત મે મહિનામાં બાહ્યપ્રવાહ જોવા મળ્યો હતો.
વધુમાં ગત મે મહિનામાં સોનાના એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ. 725 કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો હતો, જ્યારે આગલા એપ્રિલ મહિનામાં રૂ. 3040 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હોવાનું એમ્ફીએ આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.