પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ જહાજ પર કુલ 28 લોકો સવાર હતા, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સામેલ હતા. ચિંતાજનક બાબત એ છે કે આ હુમલા બાદ 3 ભારતીય નાગરિકો ગુમ હોવાના અહેવાલ છે, જ્યારે 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આ હુમલાની સખત શબ્દોમાં નિંદા પણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
જહાજ ‘સેટેબેલો’ પર શું બની ઘટના?
વિગતે વાત કરવામાં આવે તો, જે જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે તેનું નામ 'સેટેબેલો' છે, જે પલાઉ દેશનો ધ્વજ ધરાવતું કેમિકલ અને ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે. બ્રિટિશ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, આ જહાજ ઓમાનના સોહર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વમાં હતું, ત્યારે તેના એન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હોવાની માહિતી મળી હતી. ઓમાનની નૌકાદળે જહાજની ડિસ્ટ્રેસ કોલ પર તાત્કાલિક એક્શન લઈને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અમે ઓમાનના તટ પર કોમર્શિયલ જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની કડક નિંદા કરીએ છીએ. જહાજ પર સવાર 24 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી 21ને અત્યાર સુધી બચાવી લેવાયા છે, જ્યારે 3 ભારતીયો ગુમ છે. ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ઓમાનના સત્તાધીશો સાથે મળીને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યું છે’.
હુમલા પાછળ કોનો હાથ?
હુમલાના ચોક્કસ કારણો અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ 'એમ્બ્રે' એ આશંકા વ્યક્ત કરી છે કે આ હુમલો ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટેના અમેરિકી ઓપરેશનનું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને ચેતવણી આપવામાં આવી હતી કે હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ પર ભેગા થાય. જહાજ પર કથિત રીતે અમેરિકી મિસાઈલથી હુમલો થયો હોવાની શક્યતા છે. જો કે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
વૈશ્વિક વ્યાપારી માર્ગોને સુરક્ષિત રાખવા ભારતની અપીલ
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા જહાજોની અવરજવર પર નિયંત્રણો મૂક્યા છે, જેના કારણે આ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ છે. પશ્ચિમ એશિયામાં સતત બગડતી જતી સુરક્ષા વ્યવસ્થા પર ભારતે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારમાં વ્યાપારી જહાજો પર સતત થઈ રહેલા હુમલાઓ ત્યાં ચાલી રહેલા મોટા સંઘર્ષનું સીધું પરિણામ છે. હાલમાં ગુમ થયેલા ત્રણ ભારતીય ક્રૂ સભ્યોને શોધવા માટે ઓમાનના દરિયામાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ભારત સરકાર તેમના પરિવારોના સંપર્કમાં છે.