(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્રની સાથે સાથે હવે આધુનિક ટેકનોલોજી પણ મદદે આવી પહોંચી હતી. જિલ્લાના ધોળકા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વિવિધ વિસ્તારોમાં અને શાળામાં બાળકો તથા સ્થાનિક નાગરિકો ફસાઈ ગયા હતા. આ સ્થિતિમાં ફસાયેલા માસુમ બાળકો અને નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા તેમજ તેમના સુધી તાત્કાલિક જીવનજરૂરી મદદ પહોંચાડવા માટે મહેસાણા સ્થિત સ્ટાર્ટઅપ પ્રાઈમ યુએવીની વિશેષ નિષ્ણાત ડ્રોન રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના થઈ હતી.
મળતી વિગતો અનુસાર, પૂરના પાણી ઘૂંટણસમાથી પણ વધુ ઊંડા હોવાના કારણે વાહનો જઈ શકે તેમ ન હતા. આવી પરિસ્થિતિમાં પ્રાઈમ યુએવીની ટીમે સ્થાનિક તંત્ર અને રાહત ટીમો સાથે મળીને ટ્રેક્ટર તેમજ હોડી મારફતે પોતાના અત્યાધુનિક ડ્રોન અને ઓપરેટિંગ સિસ્ટમને પૂરગ્રસ્ત વિસ્તારના મુખ્ય પોઈન્ટ સુધી પહોંચાડ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દિવસ-રાત જોયા વિના સતત કામગીરી હાથ ધરી હતી. રાત્રિના ઘનઘોર અંધારામાં પણ વિઝિબિલિટી ધરાવતા સર્વેલન્સ અને રેસ્ક્યૂ ડ્રોન આકાશમાં ઉડાડીને ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી.
પૂરના પાણીમાં ફસાયેલા લોકો અને બાળકોનું ચોક્કસ લોકેશન ડ્રોનના જીપીએસ અને કેમેરા ટ્રેકિંગ દ્વારા ત્વરિત શોધી કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ધોળકા પૂરગ્રસ્ત વિસ્તાર તેમજ પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ અને મકાનોની સ્થિતિ પર રિયલ-ટાઇમ નજર રાખવામાં આવી હતી, જેથી રેસ્ક્યૂ બોટ અને એનડીઆરએફ અને સ્થાનિક ટીમોને સાચો માર્ગ દર્શાવી શકાય. ડ્રોન નીચે ખાસ તૈયાર કરાયેલા સુરક્ષિત કસ્ટમ બોક્સ/કમ્પાર્ટમેન્ટમાં પીવાનું શુદ્ધ પાણી અને વોટરપ્રૂફ પેકિંગ ધરાવતા ફૂડ પેકેટ્સ મુકીને જે વિસ્તારોમાં બોટ કે ટ્રેક્ટર સીધા પહોંચી શકતા ન હતા, ત્યાં હવામાંથી જ સલામત રીતે સામગ્રી પહોંચાડવામાં આવી હતી.
ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત કામગીરી દરમિયાન ધોળકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડ્રોનની મદદથી જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.#Dholka #DroneDelivery #ReliefWork #DisasterResponse #TeamAhm pic.twitter.com/gERWxNcIkr
— Ahmedabad Collector (@CollectorAhd) July 26, 2026
સામાન્ય રીતે સંસ્થા પોતાના ડ્રોનનો ઉપયોગ ફોરેસ્ટ, એગ્રીકલ્ચરમાં વાવણી અને મચ્છર નિયંત્રણ માટે, પાણી ભરેલ સ્થળ શોધવા તેમજ માણસ પહોંચીના શકે તેવી જગ્યાએ ડેગ્યું મલેરિયાની દવા છંટકાવ માટે કરે છે. પરંતુ ધોળકામાં અતિવૃષ્ટિની તાકીદની પરિસ્થિતિમાં સંસ્થાએ પોતાની સેવાઓને પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તેમના સ્થળ શોધવા માટે વહીવટી તંત્રની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર રેસ્ક્યૂ અને રિલિફ ઓપરેશન 'પ્રાઇમ યુ.એ.વી.' ના કર્મીઓ તદ્દન સ્વૈચ્છિક રીતે અને સામાજિક જવાબદારી તેમજ માનવતાના ઉત્કૃષ્ટ ભાવ સાથે હાથ ધરવામાં આવ્યું હતું.