Sun Jul 26 2026

Logo

'આ મારા માટે નવો વિષય છે...' શિક્ષણ મંત્રાલય સંભાળતા જ પ્રહ્લાદ જોશીનું મોટું નિવેદન!

2026-07-26 18:52:11
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી તરીકે રાજીનામું આપી દેતા હવે પ્રહલાદ જોશીને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ રવિવારે તા.26 જુલાઈના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતા જ પ્રહલાદ જોષીએ કહ્યું કે, પહેલા જે તે શિક્ષણકાર્યની સમીક્ષા કરાશે. જે તે વિભાગથી તેઓ પરીચીત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, શિક્ષણનો વિષય મારા માટે નવો છે. 

ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે

રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ મને આ જવાબદારી સોંપી છે. કોઈ મોટું નિવેદન આપતા પહેલા તેઓ મંત્રાલયના સમગ્ર કાર્ય અને કાર્યશૈલીને સમજશે. આ માટે થોડો સમય જશે.વડા પ્રધાન મોદીએ મારા પર ભરોસો વ્યક્ત કરીને મને આ જવાબદારી સોંપી છે. જેને હું નિભાવીશ. પ્રહલાદ જોષી કેન્દ્ર સરકારમાં ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના મંત્રી છે.

આ સિવાય એમની પાસે ઊર્જા મંત્રાલયની પણ જવાબદારી છે. જોશીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે 12 વર્ષમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.હું વડા પ્રધાન મોદીના માર્ગદર્શનમાં પૂરી ક્ષમતા સાથે કામ કરવા માટેના પ્રયાસ કરીશ. ટીમ સાથે કામ કરીશ.ધર્મેન્દ્ર પ્રધાન દાયકાઓથી રાજકીય ક્ષેત્રે સક્રિય છે. દેશના વિકાસમાં તેમણે આપેલું યોગદાન પણ યાદ રાખવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળમાં જ નવી એજ્યુકેશન પોલિસી સફળતા પૂર્વક લાગુ થઈ હતી. 

એમનું યોગદાન કદી નહીં ભૂલાય

શિક્ષણ ક્ષેત્રે 100થી વધારે નાના-મોટા ફેરફાર કરીને સુધારાલક્ષી પગલું ભરવામાં આવ્યું હતું. દેશહિતને ઉપર રાખીને તેમણે પોતાનું પદ છોડી દીધું છે. દેશના વિકાસમાં એમનું યોગદાન પણ અમૂલ્ય છે. કોઈપણ રીતે એ યોગદાનને ભૂલી શકાય એમ નથી. દેશના વિકાસ માટે જે પગલા લઈશું એ સફરમાં અમારી મુલાકાત ફરીવાર થશે. પ્રહલાદ વેંકટેશ જોશી ભાજપના નેતા અને ધારવાડ લોકસભા બેઠક પરથી સતત છ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા નેતા છે.

જેને કેન્દ્રમાં મહત્ત્વના ખાતા મળ્યા છે. તેઓ મૂળ કર્ણાટકના છે. વિજયપુરમાં હજુ પણ એમનું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે.  વર્ષ 2004માં તેઓ પહેલીવાર લોકસભામાં ચૂંટાઈને આવેલા, પછી સતત તેઓ ઉત્તમ નેતૃત્વ કરી રહ્યા છે અને ભાજપના શ્રેષ્ઠ નેતાઓની યાદીમાં એનું નામ છે. કર્ણાટકમાં તેઓ વર્ષ 2014થી 2016 સુધી પ્રદેશ અધ્યક્ષના પદે પણ રહી ચૂક્યો છે.