મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ યુનિટે ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ નેટવકનો પર્દાફાશ કર્યો હતો અને ન્યૂ ઝીલેન્ડ મોકલાઇ રહેલા ત્રણ કુરિયર પાર્સલમાંથી પાંચ કરોડ રૂપિયાનું ઇફેડ્રીન જપ્ત કર્યું હતું. આ પ્રકરણે ચેન્નઇથી એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એનસીબીના અધિકારીઓએ આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે 21 જુલાઇ અને 25 જુલાઇએ બે કુરિયર પાર્સલને આંતર્યા હતા. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બૂક કરાયેલા પાર્સલ ન્યૂ ઝીલેન્ડ મોકલવામાં આવી રહ્યા હતા.
તપાસ દરમિયાન અધિકારીઓને પાર્સલમાંથી ફ્લોર મેટ અને કપડાંનો રોલ મળી આવ્યા હતા. તેની બારીકાઇથી તપાસ કરાતાં મેટ અને કપડાંના રોલની વચ્ચે વ્યવસ્થિત રીતે છુપાવેલું સાત કિલો ઇફેડ્રીન મળી આવ્યું હતું. બીજી તરફ દસ્તાવેજોેની તપાસ કરાતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. પાર્સલ મોકલનારની તપાસનું પગેરું ચેન્નઇના ટ્રિપ્લિકેન વિસ્તારમાં તસ્કર એસ. હમીદના ઘર સુધી દોરી ગયું હતું.
હમીદના ઘરમાંથી પેકિંગ મટિરિયલ્સ, ડિજિટલ વજનનું મશીન, હીટ સીલિંગ મશીન, પ્લાસ્ટિક બેગ, બોગસ આઇડી કાર્ડ, ડિજિટલ ગેજેટ્સ મળી આવ્યાં હતા. હમીદે ન્યૂ ઝીલેન્ડ મોકલવા માટે બીજા બે પાર્સલ વિશે પૂછપરછમાં માહિતી આપી હતી, જેને પગલે પચીસમી જુલાઇએ કલ્યાણ ખાતે પાર્સલ અટકાવવામાં આવ્યું હતું. આ પાર્સલમાં બેડશીડ અને ફોટોફ્રેમ ન્યૂ ઝીલેન્ડ મોકલવાના હતા, જેની બારીકાઇથી તપાસ કરતાં તેમાંથી 3.99 કિલો ઇફેડ્રીન મળી આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે તસ્કરો વિદેશમાં ડ્રગ્સ મોકલવા માટે આંતરરાષ્ટ્રીય કુરિયર બૂક કરવા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. એનસીબીને ગેરમાર્ગે દોરવા માટે કુરિયર પાર્સલ મુંબઈ, પુણે જેવા શહેરમાં બુક કરવામાં આવતાં હતાં. ઇફેડ્રીનના સ્રોતોની શોધ ચાલુ છે. હમીદના સાગરીતો વિશે પણ માહિતી મળી છે, જેમની શોધ ચલાવવામાં આવી રહી છે.
ઇફેડ્રીન ઉત્તેજક ડ્રગ્સ છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે મેથામ્ફેટામાઇન બનાવવા માટે પ્રાથમિક ઘટક તરીકે થાય છે, જે અત્યંત નશીલું ન્યૂરોટોક્સિન છે. તેનું સેવન મગજમાં ન્યૂરોટ્રાન્સમીટરના સ્તરમાં ફેરફાર કરે છે, જેનાથી એવો નશો ચઢે છે કે સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઇ શકે છે, એમ અધિકારીએ કહ્યું હતું.