Wed Jun 10 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં 16 પૈસાનો સુધારો

2026-06-10 20:09:03
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં સાધારણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ જ સંભવત રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહ્યો હોવાથી તાજેતરમાં સરકારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોને આકર્ષિત કરવા માટે પગલાં લીધાં હોવાથી છેલ્લા ચાર દિવસમાં વિદેશી રોકાણકારોનો ફુલ્લી એક્સેસેબલ રુટ (એફએઆર) મારફતે રૂ. 11,026.331 કરોડનો આંતરપ્રવાહ રહેતાં ભારત સરકારના બૉન્ડની યિલ્ડમાં ઘટાડો થતાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો એક તબક્કે 15 પૈસા નબળો પડ્યા બાદ અંતે 16 પૈસાના સુધારા સાથે 95.25ની સપાટીએ બંધ રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.41ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.52ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.56 અને ઉપરમાં 95.07ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસા વધીને 95.43ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 20 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સ્ટેટ દરિયાઈ માર્ગમાં અમેરિકી હેલિકૉપ્ટર તૂટી પડતાં અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હોવાથી તેનાં વળતા જવાબમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડઝે ડ્રોન અને લાંબાં અંતરની મિસાઈલો થકી અમેરિકી બેઝ પર હુમલા કરતા પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વણસે તેવી ભીતિ હેઠળ જો બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવે તો રૂપિયો વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા ફોરેક્સ ટ્રેડરોએ વ્યક્ત કરી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 99.87 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.32 ટકા ઘટીને બેરલદીઠ 91.16 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સાધારણ 64.42 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 27.15 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4566.03 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.