Wed Jun 10 2026

Logo

પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર PoKમાં ક્રેશઃ સવાર તમામ સૈનિકના મોતની શંકા

Islamabad   2026-06-10 17:53:25
Author: Vimal Prajapati
Article Image

ઇસ્લામાબાદઃ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પાકિસ્તાન આર્મીનું એક હેલિકોપ્ટર (Mi-17) ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં બચાવ કામગીરી માટે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જો કે મૃતકોનો ચોક્કસ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. આ હેલિકોપ્ટર ઉડાન ભરતી વખતે જ અકસ્માતનો ભોગ બન્યું હતું.

ઉડાન ભરતા જ અકસ્માતગ્રસ્ત

પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન આર્મી એવિએશનનું એક હેલિકોપ્ટર (Mi-17) ટેકનિકલ ખામીના કારણે મુઝફ્ફરાબાદ નજીક ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અકસ્માતમાં કોઈ જીવિત બચ્યું નથી. પરંતા આંકડો હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. 

PoKની નીલમ વેલીમાં થઈ દુર્ઘટના

મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની સેના દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. પાક સેનાના નિવેદન પ્રમાણે હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું છે. અકસ્માતની તરત જ બાદ રેસ્ક્યૂ અને રિકવરી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દર્દનાક અકસ્માત PoKની નીલમ વેલીમાં થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકોના મોત થઈ ગયા છે. જો કે, ISPR એ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, PoKમાં પ્રદર્શનકારીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પાકિસ્તાન આર્મીએ આ હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દુર્ઘટના સમયે પાઇલટ સહિત આશરે 20 સૈનિકો તેમાં સવાર હતા. ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અહીં એ જણાવવાનું કે પીઓકે અગાઉથી નાગરિકો વચ્ચે સેનાનું ઘર્ષણ ચાલી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનમાં પણ કથિત એર સ્ટ્રાઈકના અહેવાલ વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની બાબત સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે.