Sun Jul 26 2026

Logo

લગ્નનો અર્થ ઘરમાં નોકરાણી લાવવી એવો બિલકુલ નથી, ગૃહિણીને 'નેશન બિલ્ડર' ગણવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ

2026-06-11 13:09:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશના ન્યાયતંત્રમાં એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગૃહસ્થી અને જીવન નિર્માણમાં હાઉસવાઈફના યોગદાનને ધ્યાને લઈને એક અગત્યનો તથા ઐતિહાસિક ચૂકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક ગૃહિણી માટે જરૂરી એવા ઘરના કામ અને પરિવારની સારસંભાળ-સેવાનું એક અલગ મહત્ત્વ હોય છે. આ મહત્ત્વને કોઈપણ કાળે નજરઅંદાજ કરી ન શકાય.

 

મહત્ત્વનો ચૂકાદો આપ્યો
એક ગૃહિણીનું એના પરિવારમાં યોગદાન માત્ર પરિવાર પૂરતું જ સિમીત નથી. એ દેશના માનવ સંસાઘન તથા રાષ્ટ્રનિર્માણમાં પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.આ માટે તેને હોમમેકર કહેવાના બદલે નેશન બિલ્ડર કહેવામાં આવે. ચીફ જસ્ટિસ સંજય કરોલની અધ્યક્ષતાવાળી બેંચે એક મહત્ત્વનો ચૂકાદો આપતા દરેક પરિવારને લાગુ પડે એવી વાત કરી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ ટીપ્પણી કરી કે, લગ્નનો અર્થ ઘરમાં નોકરાણી લાવવો એવો બિલકુલ નથી. ઘરના જેટલા પણ કામકાજ હોય છે એમાં પતિ અને પત્ની એમ બન્નેની સંયુક્ત જવાબદારી હોય છે. જો કોઈ પત્ની પોતાના કરિયરમાં આગળ વધવા માગે છે તો તે પોતાના સંતાન માટે એક સ્થિર માહોલ નક્કી કરે છે. 

સ્ત્રીનો આવો હેતું ક્યારેય ન હોય
આ સ્થિર માહોલને પતિ અથવા તો સાસરિયા પક્ષના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડનારૂ પગલું ન કહી શકાય. પત્ની તરફથી કરવામાં આવેલી કે વર્તવામાં આવેલી ક્રૂરતા પણ ન કહી શકાય. મહિલાની પોતાની વ્યક્તિગત ઓળખ લગ્ન બાદ કદી ખતમ થઈ જતી નથી. કોર્ટે એ વાત પણ માની કે, ઘરના કામ પાછળ ગૃહિણીઓ પોતાનો કિંમતી સમય ખર્ચે છે. અનેક એવી વસ્તુઓનો પણ ત્યાગ કરે છે. આ આધાર પર સંયુક્ત રૂપે ખરીદવામાં આવેલી પારિવારિક સંપત્તિમાં પણ પતિનો સમાન અધિકાર હોય છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, પત્ની અને ગૃહિણીનું યોગદાન માત્ર ઘરના કામકાજ પૂરતું જ સિમીત નથી. 

સ્ત્રીની ભૂમિકા નિર્ણાયક
બાળકોનું ભરણ-પોષણ, પરિવારનો વિકાસ, નવી પેઢીને તૈયાર કરવી અને સમાજના નિર્માણમાં એક સ્ત્રી નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આ માટે એમના કામને આર્થિક અને સામાજિક એમ બન્ને દ્રષ્ટિકોણથી યોગ્ય માન્યતા મળવી જ જોઈએ. હાઉસવાઈફનું માર્ગ અકસ્માતમાં મોત અને ઈજા થવા પર સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જ્યારે કોઈ અકસ્મતાને કારણે કોઈ પરિવાર પોતાની ગૃહિણીને ગુમાવે છે, ઘરના કામકાજ તથા સ્વજનોની સારસંભાળથી વંચિત થઈ જાય છે તો આર્થિક વળતર નક્કી કરતી વખતે એના યોગદાનનું જરૂરી અને ઉચિત મુલ્યાંકન થવું અતિ જરૂરી છે. આ માટે કોર્ટે ડૉમેસ્ટિક કેર અને નુકસાન પર ઓછામાં ઓછું મુલ્ય 30,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કર્યું છે.  

હાઈકોર્ટને પણ આદેશ આપ્યા
આર્થિક વળતરના દાવામાં ભવિષ્યની કમાણી તથા પરિવાર-દેશના વિકાસમાં મહિલાની ગણના કરવાના નિયમમાં  સ્ત્રીના યોગદાનની નોંધ અવશ્ય લે. કોર્ટે માત્ર વળતર જ નહીં, પરંતુ આવા કેસના ઝડપથી નિકાલ માટે પણ મહત્વના આદેશ કરી દીધા છે.  મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ્સને મોટર વ્હીકલ એક્ટની કલમ 169 અંતર્ગત નક્કી કરેલી પ્રક્રિયાને, સંક્ષિપ્ત કાર્યવાહીને અક્ષરશઃ લાગુ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, દેશની તમામ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ પ્રક્રિયા પર દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય સમાજમાં સ્ત્રી પ્રત્યેના દ્રષ્ટિકોણને તથા દરજ્જાને બદલવાની દિશામાં આ એક મોટું પગલું છે. કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે, ગૃહિણીના કામને રાષ્ટ્ર નિર્માણ તરીકે જોવામાં આવે.