(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી હતી. હિંમતનગરના પાણપુર નજીકથી પોલીસે હનીટ્રેપ, લૂંટ અને સાપરાધ મનુષ્ય વધ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી બે કાર સહિત કુલ રૂ. ૧૫,૮૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ટોળકી લાંબા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી નકલી એકાઉન્ટ બનાવી પુરુષોને પોતાની જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ તેમની સાથે લૂંટફાટની ઘટનાઓને અંજામ આપતી હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
આ સમગ્ર ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ ગત 21 જુલાઈના રોજ બનેલી એક ઘટનાની તપાસ દરમિયાન થયો હતો. દેરોલ ગામની સીમમાં હાઇવે પર ગાંધીનગરના ઉનાવા ખાતે રહેતા 52 વર્ષીય જગદીશભાઈ પ્રજાપતિ પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કરી તેમનો મોબાઈલ લૂંટી લીધો હતો.
હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયા બાદ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે મૃતક જગદીશભાઈ સાથે ગેસ્ટ હાઉસમાં જોવા મળેલી મહિલાનું આધારકાર્ડ બોગસ હતું. ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાણપુર પાસેથી શંકાસ્પદ કારોને આંતરીને આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ગેંગ ફેસબુક પર અલગ-અલગ નામે ફેક આઈડી બનાવી પુરુષો સાથે મિત્રતા કેળવતી અને ત્યારબાદ વોટ્સએપ પર વાતચીત કરી તેઓને હોટલમાં મળવા બોલાવતી હતી. શિકાર ત્યાં પહોંચે એટલે તરત જ ગેંગના અન્ય સાગરીતો આવીને મારમારી તથા લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા.
પકડાયેલા આરોપીઓમાં વિજાપુરનો મુખ્ય માસ્ટરમાઇન્ડ પિયુષ પ્રવિણભાઇ પટેલ, પાલનપુરનો જગદીશ ઉર્ફે જે.ડી. પટેલ, યશ પટેલ, મુસ્તુફા ઉર્ફે કાલુ પઠાણ, સલીમ ચૌહાણ (અમદાવાદ), તાહીર શેખ, આફતાબ પઠાણ, વિક્રમજી ઠાકોર અને અન્ય બે મહિલાઓનો સમાવેશ થાય છે તેમ જણાવ્યું હતું. હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા તમામ 10 આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હિંમતનગર ગ્રામ્ય પોલીસના હવાલે કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.