ભુજ: નજીક શેખપીર પાસે નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામાં આવેલી ગંભીર લાપરવાહીના કારણે પિલર બનાવવા માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક કાર ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સદ્ભાગ્યે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.
નિયમ મુજબ, હાઇવે કે માર્ગો પર જ્યારે ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય ત્યારે કામના સ્થળે બ્લૂ પતરાંની આડશ ઊભી કરવાની હોય છે તેમજ પિલર માટે કરાયેલા ઊંડા ખાડાની આસપાસ રેડિયમવાળા સૂચક બોર્ડ, ચેતવણીના સંકેતો અને મજબૂત બેરિકેડ્સ ગોઠવવા ફરજિયાત હોય છે. જોકે, શેખપીર ઓવરબ્રિજના સાઇટ સંચાલકો દ્વારા આવા કોઈપણ સલામતીના નિયમોનું પાલન કર્યા વિના કામ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું.
આ બેદરકારીના પરિણામે મંગળવારે ભુજના જાણીતા ઉદ્યોગપતિ પોતાની ફેક્ટરી તરફ કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે માર્ગ પર કોઈ પણ ચેતવણી દર્શાવતા બોર્ડ ન હોવાથી તેમની કાર પિલર માટે ખોદાયેલા ખાડામાં એકાએક પલટી મારી ગઈ હતી જેમાં કાર ચાલકને મુઢમાર ઈજાઓ પહોંચી હતી.
ધોરીમાર્ગ પર ચાલી રહેલા આ નિર્માણકાર્યમાં સુરક્ષાના નિયમોના સરેઆમ ધજાગરા ઊડી રહ્યા હોવાનું સ્થાનિક વાહનચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ લેવાય અથવા મોટી હોનારત સર્જાય તે પૂર્વે સંબંધિત તંત્ર તાકીદે સાઇટ પર પૂરતા બેરિકેડ્સ અને સેફ્ટી બોર્ડ્સ મુકાવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી છે.
(ઉત્સવ વૈદ્ય)