Mon Oct 05 2026

Logo

સિંહ બાદ હવે ગુજરાત બનશે વાઘનું પણ ઘર? 'પ્રોજેક્ટ ટાઈગર'ની તૈયારીઓનો ધમધમાટ શરૂ

2026-10-03 17:08:53
Author: Mumbai Samachar Team
સિંહ બાદ હવે ગુજરાત બનશે વાઘનું પણ ઘર? 'પ્રોજેક્ટ ટાઈગર'ની તૈયારીઓનો ધમધમાટ શરૂ

ગાંધીનગરઃ એશિયાટિક સિંહનું ઘર એટલે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર. જૂનાગઢ પંથક સિવાય પણ અન્ય જિલ્લામાં સિંહની વસાહત જોવા મળી રહી છે. હવે સિંહની સાથે વાઘનું રહેઠાણ પણ ગુજરાત બની શકે એ અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રતનમહાલના જંગલમાં વાઘને ઘર મળે એ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પણ રસ દાખવ્યો છે. કેન્દ્રીય વન મંત્રાલયની સૂચનાથી નેશનલ ટાઈગર ક્ન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુજરાત કેડરના નિવૃત અધિકારી ડૉ. એચ.એસ.સિંહના નેતૃત્વમાં બનેલી ત્રણ સભ્યોની કમિટી ગત મહિને ગુજરાતની મુલાકાતે આવી હતી. 

કમિટીના રિપોર્ટની ચર્ચા

આ કમિટી તેનો રિપોર્ટ આગામી સમયમાં સોંપશે અને ગાંધીનગરથી વન્યજીવને લગતો કોઈ મોટો નિર્ણય લેવાશે. એવા પૂરા એંધાણ વર્તાય રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વાઘની વસાહતને વિકસાવવા માટે  તથા વાઘની વસાહત ઊભી કરવા માટે કમિટીએ પોઝિટિવ રીસપોન્સ આપ્યો છે.

રતનમહાલના જગંલોના DFO મહેન્દ્રસિંહ રાઠવા, દેવગઢ બારિયાના જંગલ રેન્જના DFO મિતેશ પટેલ તથા વન સંરક્ષક વન્યજીવ વિભાગ વડોદરાના નિશા રાજ આ કમિટીની સ્થળ મુલાકાત વખતે સાથે રહ્યા હતા. કમિટીના સભ્યોએ પ્રાથમિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રતનમહાલના જંગલ તથા બારિયા નજીક આવેલું એક જંગલ વાઘની નવી વસાહત માટે યોગ્ય છે અને અનુકુળ છે. છેલ્લા દોઢ વર્ષથી રાજ્યમાં વાઘ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 

કેન્દ્ર સરકાર પાસે માગ

વન વિભાગના સ્ટાફ તરફથી સતત અને સખત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ દેખરેખની કમિટીએ પણ પ્રશંસા કરી હતી.  વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ ડૉ. એચ.એસ. સિંહ સાથે વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, દહેરાદૂનના વિજ્ઞાની ડૉ. બિલાલ હબીબ તથા એનટીસીએના આસી.

ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ નંદકિશોર કાલે પણ આ ખાસ મુલાકાતમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 10 વાઘની માગ કરી છે. જેમાંથી 3થી 5 વાઘ હવે આગામી સમયમાં ગુજરાતને મળે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.