Sun Jul 26 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં મેઘવિરામ બાદ રાહત કામગીરી તેજ: ૯ હજારથી વધુ મશીનો અને ૧૪૫ ટીમો મેદાનમાં

2026-07-26 20:28:26
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા અતિભારે વરસાદે જનજીવનને ખૂબ જ પ્રભાવિત કર્યું છે. ત્યારે હવે મેઘરાજાએ થોડો વિરામ લેતા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતિને થાળે પાડવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24×7 યુદ્ધના ધોરણે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે 284 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા હતા, જેમાંથી તંત્રની ત્વરિત કાર્યવાહીના પરિણામે 192 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. આ ઝડપી કામગીરીને પગલે સંપર્ક વિહોણા બનેલા 182 જેટલા અસરગ્રસ્ત ગામોનું માર્ગ જોડાણ ફરીથી પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી હતી. આ કામગીરીને પાર પાડવા માટે રાજ્ય અને પંચાયત વિભાગની કુલ 107 ટીમો એકલી સુરતમાં, જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ 145 ટીમો ખડેપગે કાર્યરત થઈને રસ્તાઓ પૂર્વવત કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

માર્ગોના સમારકામ અને અવરોધો હટાવવા માટે વિભાગ દ્વારા જેસીબી, ડમ્પર અને પેવર સહિતની ભારે મશીનરીનો વ્યાપક પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આંકડાકીય માહિતી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 9,395થી વધુ મશીનો કામે લગાડવામાં આવ્યા છે, જ્યારે માત્ર સુરત જિલ્લામાં 117 મશીનો રાત-દિવસ કાર્યરત છે.

આ સમગ્ર કામગીરીનું ગાંધીનગર ખાતેના સ્ટેટ કંટ્રોલ રૂમથી સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા સ્તરે પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા અને કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પૂરગ્રસ્ત રસ્તાઓ તેમજ સરકારી ઇમારતોનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.