Tue Sep 08 2026

Logo

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે લાગુ કર્યા નવા વાહન નિયમો, પોલીસ કરશે ચેકિંગ

2026-05-16 22:26:58
Author: Mumbai Samachar Team
ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે લાગુ કર્યા નવા વાહન નિયમો, પોલીસ કરશે ચેકિંગ

હરિદ્વારઃ ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે વહીવટી તંત્રએ વાહન વ્યવસ્થાને લઈને કેટલાક નિયમો લાગુ કરી દીધા છે. ચારધામ યાત્રા માટે ગ્રીનકાર્ડ એક આધારભૂત અને પ્રમાણિત દસ્તાવેજ સમાન છે. આ એ વસ્તુ નિશ્ચિત કરે છે કે, ચારધામ યાત્રા માટે રવાના થતું વાહન સંપૂર્ણપણે ફીટ છે અને સુરક્ષિત છે. આ ગાડીમાં ફીટનેસ સર્ટિફિકેટ, પરમીટ, ટેક્સ, વીમા પોલિસી અને પીયુસી જેવા જરૂરી ડૉક્યુમેન્ટ છે. 

વાહન માટે ખાસ કાર્ડ તૈયાર
ગ્રીનકાર્ડનો નિયમ ખાસ તો વાહન માટે બનાવવામાં આવ્યો છે. જેમાં ટુરિસ્ટની બસ, ટેક્સી અને કેબ જેવા કમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે. ચારધામ યાત્રા માટે નીકળતા વાહનોએ પરિવહન વિભાગ પાસેથી ગ્રીન કાર્ડ બનાવવું ફરજિયાત છે. આ સિવાય કમર્શિયલ વાહન માટે ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ બન્ને હોવા ખૂબ જરૂરી છે. જો તમે કોઈ ખાનગી કાર કે વાહનથી યાત્રા કરો છો તો ગ્રીન કાર્ડની જરૂર નથી. પણ યાત્રા દરમિયાન ટ્રિપ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. પરિવહન વિભાગે અને પોલીસ તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અંગે ચેકિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને ચારધામ યાત્રાને સ્પર્શતા રૂટ પર કડકપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

ટ્રિપ કાર્ડ અનિવાર્ય છે
જે વાહનો પાસે ગ્રીનકાર્ડ કે ટ્રિપ કાર્ડ નહીં હોય તો એમને આગળ યાત્રના રૂટ પર આગળ જવા દેવામાં નહીં આવે.મંજૂરી પણ આપવામાં નહીં આવે. કાર્ડ માટે વાહનની આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ અને વીમા પોલિસી હોવી જરૂરી છે. આ માટે ઉત્તરાખંડ પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. આ સાથે નજીકના આરટીઓની પણ મુલાકાત લઈ શકાય છે. વાહનોની તપાસ થયા બાદ ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ આપવામાં આવે છે. ગ્રીન કાર્ડ આપતા પહેલા જ વાહનનું ચેકિંગ કરવામાં આવે છે.આ ઉપરાંત યાત્રાનું રજીસ્ટ્રેશન પણ કરાવું જરૂરી છે. રજીસ્ટ્રેશન અને અન્ય વિસ્તૃત પ્રક્રિયા માટે ઉત્તરાખંડ ટુરિઝમની ઓફિશિલ વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે. આ માધ્યમથી પણ કોઈ મુશ્કેલી વગર ગ્રીનકાર્ડ બનાવી શકાય છે.