અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 5 દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં છે. વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ છે, જ્યા ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બપોરે 12 વાગ્યા પછી ધોરમાર વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં કપરાડામાં સૌથી વધુ 99 મીમી વરસાદ ખાબકી ગયો હતો. ડાંગ અને દક્ષિણના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.
વલસાડ જિલ્લાના કપરાડા તુલાકમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો
આંકડાની વાત કરવામાં આવે તો, વલસાડ જિલ્લાના કપરાડા તુલાકમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. તે પછી ક્રમશઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 3.15 ઇંચ, ડીસા તાલુકામાં 2.83 ઇંચ, વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં 2.4 ઇંચ, લાખણીમાં 1.77 ઇંચ, મહેસાણામાં 1.77 ઇંચ, સુરત જિલ્લાના ઉમરપરા તાલુકામાં 1.73 ઇંચ, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં 1.73 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં1.46 ઇંચ અને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં થયો છે.
રાજ્યમાં સિઝનનો 53.67 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં આ સિઝનનો કુલ 53.67 ટકા વરસાદ થયો છે. જેમાં ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો, કચ્છ ઝોનમાં 18.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.53 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 45.22 ટકા, સૌરાષ્ટ્રમાં 43.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 77.42 વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વરસાદે દક્ષિણ ગુજરાતમાં વધારે તારાજી સર્જી છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રસ્તાઓ પણ પાણીના કારણે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જો કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાહતકામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં પીવાના પાણીના સ્ત્રોતો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે, જેથી પાણીજન્ય રોગોને અસરકારક રીતે અટકાવી શકાય.@CMOGuj @sanghaviharsh @SEOC_Gujarat @InfoValsadGoG pic.twitter.com/btUdg0gJ6R
— Collector Valsad (@collectorvalsad) July 26, 2026
વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ
ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. અમીરગઢમાં સવારથી જ ઝાપટાં શરૂ થઈ ગયાં હતાં અને કુલ 80 મીમી વરસાદ નોંધાયો. ડીસા અને લાખાણી તાલુકામાં માત્ર બે-ત્રણ કલાકમાં જ 45-45 મીમી વરસાદ વરસી ગયો હતો. મધ્ય ગુજરાત અને પંચમહાલ-દાહોદ વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઊઠ્યા હતાં.
છેલ્લા 24 કલાક દરમિયાન 137 જેટલા તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. વલસાડના કપરાડાથી શરૂ થયેલી વરસાદની આ સફરે આખા રાજ્યમાં ખેડૂતોના મુખ પર નવી આશા અને ખુશીની લહેર લાવી દીધી હતી. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરાવી દીધી છે.