Sun Aug 23 2026

Logo

આરોગ્ય વિભાગનો સપાટોઃ 137ને તાળા મારવાનો આદેશ, છ રેસ્ટોરાં સીલ

2026-08-20 15:24:45
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ રાજ્યમાં આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક એવા ખાદ્ય પદાર્થો અને ખાદ્ય પદાર્થો વેચતા એકમો પર આરોગ્ય વિભાગ ઘણા સમયથી તૂટી પડ્યું છે. રાજ્યમાં સતત અખાદ્ય સામગ્રીનો જ્થ્થો પકડાતો આવ્યો છે ત્યારે હવે હોટેલો અને ખાણી-પીણીના નાના-મોટા ફૂડપાર્લરોનું પણ ચેકિંગ કરવામાં આવતા ગંભીર ચિત્ર દેખાઈ રહ્યું છે. 

સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૮૭ રેસ્ટોરેન્ટ્સ પર કરવામાં આવેલી આકસ્મિક તપાસની વિગતો મેળવી હતી. આ તપાસ દરમિયાન ૧૩૭ જેટલી રેસ્ટોરેન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતાં, જાહેર આરોગ્યના હિતને સર્વોપરી રાખીને તંત્ર દ્વારા આ તમામ રેસ્ટોરેન્ટ્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોનો ભંગ કરનાર બે રેસ્ટોરન્ટ્સને, રાજકોટ જીલ્લામાં એક અને નડિયાદ જીલ્લામાં ૩ રેસ્‍ટોરેન્‍ટને એમ કુલ ૬ રેસ્‍ટોરેન્‍ટને  સીલ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૪૦ રેસ્ટોરન્ટ્સને ક્ષતિઓ સુધારવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે અને ચાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા (એસએમસી) ના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમો દ્વારા શહેરના તમામ ઝોનમાં ૨૦૯ હોટેલ-રેસ્ટોરેન્ટ અને ૩૪ ઢાબામાં સઘન ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કિચનની સાફ-સફાઈ, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને ડેરી પ્રોડક્ટ્સ અંગેના ડિસ્પ્લે બોર્ડની ચકાસણી કરીને કુલ ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૧૨૮ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ ઇસ્યુ કરી રૂ.

૪,૪૩,૮૦૦ નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાફ-સફાઈ અને ગંભીર ખામીઓ ધરાવતી ૪૩ હોટેલ-રેસ્ટોરન્ટ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં ગત ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું દુઃખદ અવસાન થતાં રાજ્ય સરકારે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે આરોગ્ય આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સમગ્ર રાજ્યની તમામ રેસ્ટોરન્ટ્સમાં ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગે સઘન ચકાસણી હાથ ધરવા માટે ખાસ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે.