Mon Sep 07 2026

Logo

કચ્છના નખત્રાણામાં ભંગારવાડા નજીક ટેમ્પોમાં પ્રચંડ વિસ્ફોટ: બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકો સહિત ૪ના કરૂણ મોત

2026-08-22 20:43:15
Author: Pooja Shah
કચ્છના નખત્રાણામાં ભંગારવાડા નજીક ટેમ્પોમાં પ્રચંડ વિસ્ફોટ: બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકો સહિત ૪ના કરૂણ મોત

ભુજઃ કચ્છ જિલ્લાના નખત્રાણા નજીક કોટડા (જડોદર) માર્ગ પર આવેલા વિસ્તારમાં  એક ગોઝારી દુર્ઘટના બની હતી. સંતકૃપા હોટેલ પાછળ સ્થિત ભંગારવાડાના પ્રાંગણમાં ઉભેલા મિની લોડિંગ ટેમ્પોમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના ચાર સભ્યોના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓ અને તેમનાં બે માસૂમ બાળકના ક્ષણભરમાં જીવ જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ હતી.

મળતી વિગતો મુજબ, શનિવારે બપોરના અરસામાં નખત્રાણા ખાતે ભંગારની ફેરીનો વ્યવસાય કરતા મામદ ઈલિયાસ કુંભાર (ઉં.વ. ૩૦) અને તેમનો નાનો ભાઈ નૂરમામદ ઈલિયાસ કુંભાર (ઉં.વ.૨૬) ગામમાંથી ભંગાર એકત્ર કરીને તેમના વાડા પર પરત ફર્યા હતા. ટેમ્પોમાંથી ભંગાર ખાલી કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન વાહનની ડીઝલ ટાંકી નજીક અચાનક જ  વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે તેનો અવાજ આસપાસના પાંચથી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં ગુંજી ઊઠ્યો હતો. વિસ્ફોટમાં મિની ટેમ્પોના ફુરચા ઊડી ગયા હતા.



આ પ્રચંડ ધડાકાની ઝપેટમાં ગાડી નજીક જ ઊભેલા બંને ભાઈઓ તથા તેમનાં માસૂમ બાળકો હસનેન મામદ કુંભાર (ઉં.વ.૩) અને નૂર ફાતિમા નૂરમામદ કુંભાર (ઉં.વ. સાડા ૩) આવી ગયાં હતાં. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ચારેય મૃતકોના શરીરના કુરચેકુરચા ઊડીને દૂર સુધી ફેંકાયા હતા અને ચારેયનું ઘટનાસ્થળે જ તત્કાળ મૃત્યુ થયું હતું.



ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સામાન્ય રીતે ડીઝલની ટાંકીમાં આટલો મોટો વિસ્ફોટ થવો અસામાન્ય  બાબત હોવાથી પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. કચ્છમાં ભૂતકાળમાં ભંગારમાંથી વણફૂટેલા લશ્કરી મોર્ટાર શેલ મળવાના અને તેને તોડવાના પ્રયાસમાં વિસ્ફોટ થવાના બનાવો બની ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ તમામ આશંકાઓ પર ગહન તપાસ ચલાવી રહી છે. એફએસએલ નિષ્ણાતોની મદદથી ચોક્કસ કયા પદાર્થ કે કારણોસર આટલો મોટો બ્લાસ્ટ થયો તેનું સત્તાવાર કારણ સ્પષ્ટ કરવામાં આવશે.