જેતપુર: ગુજરાતમાં તાજેતરમાં જ વડોદરા અને ગાંધીનગરમાં સરકારી કચેરીમાં થયેલી ચોરી-ઉચાપતના બનાવો બાદ હવે જેતપુરમાં પીજીવીસીએલ (PGVCL) માં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સરકારી માલસામાનની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ ગ્રામ્યના જેતપુર સિટી પોલીસ મથકમાં પીજીવીસીએલના 4 અધિકારીઓ, 1 કોન્ટ્રાક્ટર અને 1 ડ્રાઇવર સહિત કુલ 6 શખ્સો સામે આશરે 15.80 લાખ રૂપિયાના મટિરિયલ કૌભાંડ મામલે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અને વીજ કંપનીના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, PGVCL ડિવિઝનના કાર્યપાલક ઈજનેર વિપુલકુમાર ભીમાણીએ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓમાં નાયબ ઈજનેર જીગ્નેશ રણજીતભાઈ વેલેરા, નાયબ ઈજનેર (ટેક-૧) નીતીનકુમાર પ્રેમજીભાઈ ગોહીલ, જુનિયર ઈજનેર (સ્ટોર) અંકુર પ્રવિણભાઈ પાનસુરીયા અને અધિક્ષક હિસાબનીશ કમલ કિશનભાઈ વાગાડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૌભાંડમાં સાથ આપનાર કોન્ટ્રાક્ટર ઈબ્રાહીમભાઈ ગરાણા અને ડ્રાઈવર અમીનભાઈ સામે પણ ગુનાહિત કાવતરું ઘડવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૫), ૬૧(૨), અને ૩(૫) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપીઓએ પોતાના અંગત આર્થિક લાભ માટે સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ગત 25 ફેબ્રુઆરી 2026ના રોજ અન્ય કર્મચારીના આઈડીમાંથી ખોટા મુવ ઓર્ડર બનાવીને PGVCLની માલિકીનો 12.5 કિમી લાંબો ડોગ કંડક્ટર, 30 નંગ ગર્ડર અને 400 નંગ પીન ઈન્સ્યુલેટર સગેવગે કરવામાં આવ્યા હતા. આ તમામ સરકારી માલસામાનની કુલ કિંમત રૂ. 15,80,504.76 જેટલી થવા જાય છે. આરોપીઓએ આ મટિરિયલ કોન્ટ્રાક્ટરના બે અલગ-અલગ વાહનોમાં ભરીને બારોબાર પોતાના અંગત લાભ માટે સગેવગે કરી દીધું હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે રાજ્યના મુખ્ય પ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો પહોંચતા PGVCLની કોર્પોરેટ ઓફિસ (રાજકોટ) દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી. સમિતિની તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ ઉચાપત કરેલો માલસામાન છુપાવવા માટે અન્ય કંપનીનો નકલી ડોગ કંડક્ટર અને જુદી જ કંપનીના ગર્ડર ગોડાઉનમાં જમા બતાવીને ગેરરીતિ આચરી હતી. ખાતાકીય તપાસમાં આ 6 લોકો કસૂરવાર ઠરતા અંતે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદનો આદેશ અપાયો હતો. ત્યારબાદ અંતે વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.