Mon Aug 31 2026

Logo

હે! ટ્રેનમાં દમણથી રાજકોટ આવેલા મુસાફરાના ટ્રોલી અને કોલેજ બેગમાંથી નીકળ્યા દારૂના 480 ક્વાર્ટર!

2026-08-22 20:47:00
Author: Devayat Khatana
હે! ટ્રેનમાં દમણથી રાજકોટ આવેલા મુસાફરાના ટ્રોલી અને કોલેજ બેગમાંથી નીકળ્યા દારૂના 480 ક્વાર્ટર!

રાજકોટ: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ તાજેતરમાં જ ભાવનગર લઠ્ઠાકાંડ તેમજ આ પૂર્વે બનેલા અનેક બનાવો આ દારૂબંધીમાં રહેલી ખોડખાંપણ પર અનેક સવાલો ઊભા કર્યા છે. જો કે બીજી તરફ   બુટલેગરોએ દારૂની હેરાફેરી એવી રીતે કરે છે કે જેથી પોલીસને અંધારામાં રાખીને ધાર્યા સ્થળે દારૂ પહોંચાડી શકાય. જો કે આ દરમિયાન રાજકોટમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં  બુટલેગરો દારૂની હેરાફેરી જાહેર પરિવહન એવા ટ્રેનનો ઉપયોગ શરૂ કર્યો હોવાનું ખૂલ્યું છે. 

મળતી વિગતો અનુસાર, રાજકોટ રેલવે પોલીસે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર જય માતાજી સ્ટોલ પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા પાંચ ઇસમોને રોકી તેમની ટ્રોલી બેગ અને કોલેજ બેગની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.  તપાસ દરમિયાન ચાર પુખ્ત યુવકો તથા કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર મળી કુલ પાંચ ઇસમો પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પૂછપરછમાં આ શખ્સો વલસાડ જિલ્લાના ઉમરગામના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં મીતકુમાર લક્ષણભાઈ હળપતી, ઉર્વેશ મુકેશભાઇ મીતના, ચેતન રાજુભાઈ મીતના, આર્યન યોગેશભાઇ વારલી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર (પ્રિન્સ મનોજભાઈ હળપતી) નો સમાવેશ થાય છે.

પોલીસે પંચોની હાજરીમાં આ શખ્સોની બેગ ખોલાવતા તેમાંથી દમણ અને દીવમાં જ વેચાણ માટેની મંજૂરી ધરાવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અલગ અલગ કલરની ચાર ટ્રોલી બેગ અને એક કોલેજ બેગમાંથી કુલ 480 પ્લાસ્ટિકના સીલબંધ ક્વાર્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 26, 400 ની કિંમતનો 86.4 લિટર દારૂ અને રૂ. 900ની કિંમતની બેગ મળીને કુલ રૂ. 27, 300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર મામલે રેલવે પોલીસે ચાર આરોપીઓ અને એક બાળ કિશોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A), 65(E), 116(B) અને 81 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સગીર આરોપીને તેના પિતાને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, જ્યારે અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરીના આ કિસ્સાએ રેલવે સુરક્ષા સામે પણ સવાલો ઉભા કર્યા છે.