Fri Sep 11 2026

Logo

ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં આજે વધુ ત્રણના મોત : કુલ મૃત્યુઆંક ૧૧ થયો, ૮ સારવારમાં, ૨૬ને ડિસ્ચાર્જ કરાયા

2026-08-22 19:43:35
Author: Pooja Shah
ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં આજે વધુ ત્રણના મોત : કુલ મૃત્યુઆંક ૧૧ થયો, ૮ સારવારમાં, ૨૬ને ડિસ્ચાર્જ કરાયા

ભાવનગરઃ  સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનાર ઝેરી દારૂકાંડમાં વધુ જિંદગી હોમાઈ છે. શનિવારે વધુ ત્રણ દર્દીએ સારવાર દરમિયાન દમ તોડતા કુલ મૃત્યુઆંક વધીને ૧૧ પર પહોંચી ગયો છે. સર ટી હોસ્પિટલમાં હજુ ૮ દર્દી સારવારમાં છે. અસરગ્રસ્તો પૈકી ૨૬ને ડિસ્ચાર્જ કરાયા છે. 

​ભાવનગરમાં  સર ટી હોસ્પિટલમાં ક્રિટિકલ સ્થિતિમાં સારવાર હેઠળ રહેલા ઘોઘા રોડના રહીશ અવિનાશ પરમારનું મોત થયું હતું. આ પૂર્વે સવારે ભરતનગરના વર્ધમાનનગરમાં રહેતા ૩૫ વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું દારૂ પીધાના પાંચમા દિવસે મોત થયું હતું. હાર્દિકભાઈએ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તબિયત વધુ લથડતા તેમને સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ, નકલી દારૂ પીધા બાદ ભાવનગરથી સુરત પહોંચેલા અને બ્રેઈનડેડ જાહેર કરાયેલા સંજયસિંહ ડોડિયાનું આજે અચાનક હૃદય બંધ પડી જવાથી સુરતની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. 

​હાલમાં સર ટી હોસ્પિટલમાં ઝેરી દારૂની અસર હેઠળના ૮ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં મહીસાગરના મુકેશ ડામોર અને ભાર્ગવ નામના બે દર્દીઓની સ્થિતિ અત્યંત નાજુક (ક્રિટિકલ) દર્શાવવામાં આવી રહી છે. રાહતના સમાચાર એ છે કે સારવાર બાદ રિકવર થયેલા ૨૬ અસરગ્રસ્તને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. 

​દરમિયાન, પોલીસ અને તપાસ ટીમો દ્વારા શહેરમાં તપાસ તેજ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જૂની પોલીસ લાઈન સામે આવેલા ગ્રાઉન્ડમાંથી 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની ૨ ખાલી બોટલો મળી આવતા પોલીસે તે દિશામાં વધુ વિગતો મેળવવા દોડધામ શરૂ કરી હતી.