(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મુખ્ય માળખાગત પ્રોજેક્ટના કામ ઝડપી રીતે કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા બોન્ડ દ્વારા ૯,૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. જો આ પ્રસ્તાવ અમલમાં મૂકવામાં આવે તો આ ભારતમાં કોઈપણ શહેરની મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલ સૌથી મોટો મ્યુનિસિપલ બોન્ડ હશે. બોન્ડ થકી આવનારા ભંડોળનો ઉપયોગ ગટર, પૂર નિયંત્રણ, રસ્તા અને અન્ય મહત્ત્પૂર્ણ માળખાગત પ્રોજેક્ટને નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવશે.
પાલિકા ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ ડિસેમ્બર સુધીમાં બોન્ડ બહાર પાડવાની યોજના ધરાવે છે. પ્રક્રિયા માટે ત્રણ મર્ચન્ટ બેન્કર્સની પસંદગી કરવામાં આવી છે. એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે પાલિકાએ બોન્ડ બહાર પાડવાની પ્રક્રિયા માટે ત્રણ મર્ચન્ટ બેન્કર્સની પસંદગી કરી છે. આમાં એકે કેપિટલ સર્વિસિસ લિમિટેડ, ટિપ્સન્સ ક્ધસલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ બોન્ડ માળખું ડિઝાઇન કરશે, નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ કરશે અને રોકાણકારો સુધી તેની પહોંચ સુનિશ્ર્ચિત કરશે.
પ્રસ્તાવિત ભંડોળનો ઉપયોગ સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૧૩,૦૦૦ કરોડના ઇન્ટિગ્રેટેડ ફ્લડ કંટ્રોલ માસ્ટર પ્લાન, પમ્પિંગ સ્ટેશન, ટનલ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ જેવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. પાલિકાએ ૨૦૨૬-૨૭ના બજેટમાં પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ માટે ગ્રીન બોન્ડ બહાર પાડવાની યોજના પણ જાહેર કરી હતી.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત બોન્ડમાંથી એકત્ર કરાયેલ ભંડોળ મુંબઈના લાંબા ગાળાના માળખાને મજબૂત બનાવવામાં અને ભવિષ્યની શહેરી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.