Sat Sep 05 2026

Logo

બેસ્ટનો પ્રવાસ બન્યો જોખમી: ૩૪ ટકા ભાડા પર લીધેલી બસોમાં બ્રેક અને સ્ટીયરિંગની ખામી

2026-07-27 09:16:00
Author: Sapna Desai
બેસ્ટનો પ્રવાસ બન્યો જોખમી: ૩૪ ટકા ભાડા પર લીધેલી બસોમાં બ્રેક અને સ્ટીયરિંગની ખામી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસોમાં બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસના અનેક ઍક્સિડન્ટના બનાવ સામે આવ્યા છે, જેમાં મોટા ભાગની બસ  વેટ લીઝ (ભાડા પર લીધેલી)ની હોવાનું જણાઈ આવ્યું છે. તપાસ દરમ્યાન વેટ લીઝ બસોમાં ૩૪ ટકા બ્રેક અને સ્ટિયરિંગ ખામીઓ જોવા મળી છે, જેનાથી મુંબઈવાસીઓની સલામતી પર સવાલો ઊભા થયા છે.
બેસ્ટની બસ મુંબઈગરા માટે રેલવે બાદ બીજી લાઈફલાઈન ગણાય છે. લાખો લોકો બેસ્ટની બસમાં પ્રવાસ કરે છે.

બેસ્ટની વેટ લીઝ બસોને લગતા અનેક અકસ્માતો નોંધાયા છે, જેનાથી વેટ લીઝ બસોની સલામતી પર ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે.  એપ્રિલમાં  બેસ્ટ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સમિતિના સભ્યએ વેટ લીઝ બસોની બ્રેક અને સ્ટિયરિંગ સિસ્ટમમાં ખામીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે બધી બસોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મળેલ માહિતી મુજબ ૧૭ જુલાઈના રોજ જાહેર કરાયેલા પત્રમાં જાણવા મળ્યું હતું કે ૩૪ ટકા  વેટ લીઝ બસોમાં સમસ્યાઓ જોવા મળી હતી. આમાંથી ૩૦ ટકા બસનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેને સેવામાં પાછી લાવવામાં આવી છે, જ્યારે ચાર ટકા બસનું નિરીક્ષણ હજુ પણ ચાલુ છે.  ત્રણ મહિનાથી ૯૪ બસનું સમારકામ ચાલુ છે.

બેસ્ટના રિપોર્ટમાં જણાવાયું છે કે કુલ ૨,૫૫૩ વેટ લીઝ બસોની બ્રેક અને સ્ટિયરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી, ૧,૬૮૪ બસમાં કોઈ ટૅકનિકલ ખામી જોવા મળી ન હતી. જોકે ૮૬૮ બસમાં ગંભીર બ્રેક અને સ્ટિયરિંગ ખામી જોવા મળી હતી. આમાંથી ૭૭૪ બસનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેમને સેવામાં પાછી લાવવામાં આવી છે, જ્યારે ૯૪ બસનું સમારકામ હજુ પણ ચાલુ છે, જે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. 

દંડનો કોઈ જવાબ નથી. ૩૪ ટકા બસ ફક્ત બ્રેક અને સ્ટિયરિંગ સિસ્ટમની સમસ્યાઓથી પ્રભાવિત છે. વધુમાં, ક્લચ અને હવાના દબાણ જેવા અન્ય મુદ્દાઓ હોઈ શકે છે, જેને અવગણવામાં આવી રહ્યા છે. પરિણામે  અકસ્માતો વધી રહ્યા છે.