Thu Sep 10 2026

Logo

મુંબઈમાં નેવીના જવાન, પત્ની અને બે બાળકોના શંકાસ્પદ મોતથી ગામમાં શોકની લહેર, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયા અંતિમસંસ્કાર

2026-08-18 20:06:46
Author: Mumbai Samachar Team
મુંબઈમાં નેવીના જવાન, પત્ની અને બે બાળકોના શંકાસ્પદ મોતથી ગામમાં શોકની લહેર, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયા અંતિમસંસ્કાર

મુંબઈ: રાજસ્થાનના ઝુંઝનું જિલ્લાના કકરાના ગામમાં રહેતા ભારતીય નૌકાદળના જવાન પૂરણમલ મેહરા, તેમની પત્ની અને બે માસુમ બાળકોના મુંબઈમાં મૃત્યુ થયા હતા. આ સમાચારથી સમગ્ર ગામમા શોકની લહેર વ્યાપી ગઈ છે. સોમવારે ચારેય મૃતકોના મૃતદેહોના પૈતૃક ગામ કકરાના પહોંચ્યા હતા, જ્યાં ગમગીન માહોલમાં જવાન અને તેમની પત્નીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, જયારે બંને માસુમ બાળકોને દફનાવવામાં આવ્યા હતા. આ ઘટના આખરે આત્મહત્યા છે કે હત્યા, તેના વિશે હજુ સુધી જાણ થઈ નથી. 

મુંબઈમાં કોલાબા સ્થિત નેવી નગરના સરકારી આવાસમાં નૌકાદળના જવાન અને પત્ની સાથે બાળકો મૃત મળ્યા હોવાની રવિવારે જાણ થઈ હતી. નેવીના જવાનની ઓળખ પુરણમલ મેહરા તરીકે કરવામાં આવી હતી, જે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકેલા મળ્યા હતા. જયારે તેમની પત્ની ઓમા મેહરા અને બંને બાળકોના મૃતદેહ રૂમમાં બેડ પર મળ્યા હતા. મુંબઈ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ કેસ અંગે પોલીસ પ્રશાસન તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ પરિવારે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરી છે.

પુરણમલના નાના ભાઈ મુકેશ કુમારે કહ્યું કે પરિવારના લોકો છેલ્લા ત્રણ દિવસથી પુરણમલને ફોન કરી રહ્યા હતા, પરંતુ ફોન રિસીવ થઇ રહ્યો નહોતો. ત્યાર બાદ શનિવારે નૌકાદળના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. શનિવારે રાતે લગભગ 11 વાગે મુંબઈથી પરિવારને પુરણમલના નિધનના સમાચાર મળ્યા હતા. 

પરિવારના જણાવ્યા અનુસાર પુરણમલ વર્ષ 2015માં જોધપુર નૌકાદળમાં દાખલ થયા હતા. વર્ષ 2020માં તેમના લગ્ન સીકર જિલ્લાના ખડેલા નિવાસી ઓમ મેહરા સાથે થયા હતા. લગભગ નવ મહિના પહેલા પુરણમલ પોતાના ગામ કકરાના આવ્યા હતા અને લગભગ છ દિવસ પહેલા તેમના પરિવારજનો સાથે ફોન પર વાતચીત થઈ હતી. 

સ્થાનિકોના જણાવ્યાનુસાર પુરણમલ લગભગ 20 દિવસ રજા પર હતા. ગામના લોકો સાથે તેનો વ્યવહાર-વર્તન મિલનસાર અને મદદગાર તરીકેનો હતો. પુરણમલ ત્રણ ભાઈઓમાં બીજા નંબરના ભાઈ હતા. તેના મોટા ભાઈ બ્રિજલાલ મેહરા પણ સેનામાં કાર્યરત હતા, જયારે નાના ભાઈ મુકેશ કુમાર ગામમાં જ રહે છે. પિતા ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. 

સેનાના વાહનમાં મૃતદેહ ઘરે પહોંચ્યા 

ગુઢાગૌડજી પોલીસ સ્ટેશનથી સેનાના ટ્રકમાં ચારેય મૃતદેહોને કકરાના લાવવામાં આવ્યા અને સમગ્ર ગામ શોકાતુર બન્યું હતું. જવાનની અંતિમ યાત્રા સેનાના વાહનથી અને પત્નીની અર્થીને પરિવારજનો અને ગ્રામજનોએ કાંધ આપી હતી. સ્મશાનઘાટમાં પુરણમલને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું, સેનાના જવાનોએ ઝંડો તેના પિતા શંભુદયાલને સોંપ્યો અને નાના ભાઈએ મુખાગ્નિ આપી હતી. 

એક તરફ દેશની સેવામાં જોડાયેલા જવાનની વિદાઈ હતી, તો બીજી તરફ પરિવારના ચાર સદસ્યો એક સાથે ગુમાવવાનું દુઃખ હતું. કકરાના ગામમાં આ ઘટનાએ દરેક વ્યક્તિને સ્તબ્ધ કરી દીધા હતા. પુરણમલના પરિવાર અને ગ્રામીણો વચ્ચે શોકનો માહોલ બન્યો છે.