ઉમેશ ત્રિવેદી
નવી દિલ્હીમાં રહેનારા પંજાબી કુલવિંદર સિંહ અને રાજેન્દ્ર કૌરને ત્યાં 10મી ઑકટોબર 1990ના જન્મેલી રકુલ પ્રીત સિંહની ‘લાઈફ’ ખૂબ જ અટપટી છે એમ કહી શકાય. તેણે ખૂબ જ જાણીતી એવી ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ભાગ લીધો. 2011માં તેણે ડિગ્રી મેળવ્યા પછી આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો અને મિસ ફ્રેશ ફેસ, મિસ ટેલન્ટેડ, મિસ બ્યુટીફૂલ સ્માઈલ તેમ જ મિસ બ્યુટીફૂલ આર્ટસ જેવા ચાર- ચાર ખિતાબ મેળવ્યા હતા.
આ સ્પર્ધા પછી તરત જ એટલે કે 2011માં તેને સાઉથની ફિલ્મોમાં પ્રવેશ મળી ગયો. પંજાબી છોકરી સાઉથની ફિલ્મોમાં હીરોઈન તરીકે ચમકી એટલું જ નહીં તે સફળ પણ થઈ. તેની પહેલી જ ફિલ્મ તેલુગુ અને તમિળ ભાષામાં બની હતી. જોકે, આ ફિલ્મોમાં તેને પોતાની પ્રતિભા દર્શાવવાની એટલી તક મળી નહોતી, પણ સૌંદર્ય સ્પર્ધામાંથી આવી હોવાથી જરાય સ્ટ્રગલ કર્યા વિના તેને ત્યાંની ફિલ્મો મળવા લાગી.
સાઉથમાં ત્રણ વર્ષમાં પાંચ-છ ફિલ્મો કર્યા પછી તેને બોલિવૂડમાં પ્રથમ ફિલ્મ જ મોટા બેનરની મળી. ટી. સિરિઝની આ ફિલ્મ દ્વારા દિવ્યા કુમાર ખોસલાએ દિગ્દર્શનની શરૂઆત કરી હતી. ‘યારિયાં’ નામની આ ફિલ્મમાં બધા જ નવા હતા (કલાકારો સહિત) છતાં ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળતા મળી હતી અને સાથે જ રકુલ પ્રીત સિંહને પણ સફળતા મળી હતી અને બોલિવૂડમાં તે પહેલી જ ફિલ્મથી સ્થાયી થઈ ગઈ એમ કહી શકાય.
‘યારિયાં’માં હિમાંશ કોહલી, રકુલ, એવ્લીન શર્મા અને નિમેલ ફારિયા હતા. આ ફિલ્મ માત્ર રૂા. 10 કરોડના બજેટમાં બની હતી, પણ બોક્સ ઓફિસ પર તેની કમાણી રૂા. 55 કરોડ થઈ હતી તેથી સુપરહિટ જાહેર થઈ. જોકે, આ સફળ ફિલ્મ પછી પણ રકુલ ફરી સાઉથની ફિલ્મો તરફ જ વળી ગઈ હતી. સાઉથમાં તે તમિળ, તેલુગુ અને ક્ધનડ ફિલ્મોમાં ધીરે ધીરે પગ જમાવતી જતી હતી અને ધીમે ધીમે તે ટોચની અભિનેત્રી ગણાવી લાગી હતી.
2014માં ‘યારિયાં’ કર્યા પછી 2018માં તેની બોલિવૂડની બીજી ફિલ્મ આવી ‘ઐયારી’. આ ફિલ્મને બૉક્સ ઓફિસ પર જોઈએ એટલી સફળતા મળી નહોતી. ત્યાર પછી 2019માં અજય દેવગણ, તબુ સાથે તેને ‘દે દે પ્યાર દે’ મળી. આ ફિલ્મથી રકુલ પ્રીત સિંહની નોંધ લેવાઈ અને તેના ખાતામાં બોલિવૂડની વધુ એક સફળ ફિલ્મ આવી.
બોલિવૂડમાં રકુલની ગણના એક ગ્લેમર ગર્લ તરીકે જ થાય છે. જોકે, તેણે પોતાની અભિનયક્ષમતા પણ પુરવાર કરી છે. 2021 સુધી રકુલે સાઉથની ફિલ્મો પર વધુ ધ્યાન આપ્યું હતું. તે દરમિયાન તેણે બોલિવૂડની અનેક ફિલ્મો પણ કરી હતી. તેનું પરિણામ 2022માં જોવા મળ્યું હતું.
2022નું વર્ષ રકુલ માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું હતું. આ વર્ષમાં રકુલની એક-બે નહીં પણ પાંચ- પાંચ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી અને બીજી મહત્ત્વની વાત એ હતી કે આ દરમિયાન તેની સાઉથની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. જોકે, તેનું આ પગલું તેણે સમજી વિચારીને જ ભર્યું હતું. દક્ષિણની ફિલ્મોમાંથી ફોકસ હટાવીને તે બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં સ્થાયી થવા માગતી હતી.
તેનું એક કારણ તેનો ‘લવ ઈન્ટરેસ્ટ’ પણ હતું. 2021માં તેને નિર્માતા વાસુ ભગનાનીના પુત્ર જેકી ભગનાની સાથે પ્રેમ થયો હતો અને તેની જાહેરાત તેણે પોતે જ કરી હતી. ત્રણ વર્ષ પછી એટલે કે 21 ફેબ્રુઆરી 2024માં રકુલ અને જેકી ભગનાનીના ગોવામાં હિન્દુ વિધિથી લગ્ન થયાં હતાં અને ત્યાર બાદ તો રકુલ મુંબઈ જ શિફ્ટ થઈ ગઈ હતી.
2022ની વાત કરીએ તો તે વર્ષે તેની જ્હોન અબ્રાહમ સાથેની એટેક, પછી અજય દેવગણ, અમિતાભ બચ્ચન સાથેની ‘રનવે-34’, અક્ષયકુમાર સાથેની ‘કઠપૂતલી’, આયુષ્યમાન ખુરાના સાથેની ‘ડોક્ટરજી’ અને અજય દેવગણ, સિદ્ધાર્થ મલહોત્રા સાથેની ‘થેંક ગોડ’ જેવી ફિલ્મો આવી હતી. પણ આ બધી જ ફિલ્મો બૉક્સ ઓફિસ પર ધબાય નમ: થઈ હતી. જોકે, તેનાથી રાકુલને કોઈ ખાસ ફરક પડ્યો નહોતો.
રકુલની હિન્દી ફિલ્મો વધવાની સાથે જ સાઉથની ફિલ્મો ધીમે ધીમે ઘટવા લાગી અને તે બોલિવૂડમાં સફળતા મેળવવાની કોશિશ કરતી દેખાઈ હતી. તેમાં ફરી એકવાર ‘દે દે પ્યાર દે-ટુ’ તેના ફાળે આવી અને એ ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારો દેખાવ કરી ન શકી. પણ રકુલની સુંદરતા અને તેનાં અભિનયના વખાણ થયાં.
આમ, દક્ષિણની ફિલ્મોમાં સફળતા પણ બોલિવૂડની ફિલ્મોમાં નિષ્ફળતા વચ્ચે એક સારી અભિનેત્રી ની કારકિર્દી અટવાયા કરે છે. આ શુક્રવારે રકુલની આયુષ્યમાન ખુરાના સાથેની ‘પતિ, પત્ની ઔર વોહ દો’ નામની ફિલ્મ રજૂ થવાની છે. એમાં રકુલની સાથે જ સારા અલી ખાન અને વામિકા ગબ્બી પણ છે.
રકુલે અત્યાર સુધીમાં જેટલી પણ હિન્દી ફિલ્મો કરી છે, તેની વિશેષતા એ છે કે તેની મોટાભાગની ફિલ્મોમાં બે હીરોઈન રહી છે, તેની હિન્દી ફિલ્મો ભલે બૉક્સ ઓફિસ ગજાવતી ન હોય પણ દક્ષિણની ફિલ્મો (સાઉથની ફિલ્મો)માં તેને સતત સફળતા મળે છે એટલે તેની કારકિર્દી સડસડાટ ચાલ્યા કરે છે.
રકુલ પોતે પંજાબી ફિલ્મો કરી તેલુગુ, તમિળ, ક્ધનડમાં, હિન્દી ફિલ્મોમાં નિષ્ફળતા છતાં સતત ફિલ્મો મળતી જાય છે, સિંધી કુટુંબમાં તે પરણી આમ અભિનેત્રીની જીવનમાં ‘સંપૂર્ણ ભારત’ની છાંટ દેખાય છે.
રકુલને સંડોવતો એક વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. ‘પતિ- પત્ની ઔર વોહ દો’ની ટીમ હાલમાં ગીરના અભયારણની મુલાકાતે ગઈ હતી. ત્યાં રકુલ પ્રતિબંધિત વિસ્તારની બહાર જીપમાંથી ઊતરેલી દેખાય છે. તો લોકો ભડકી ગયા હતા કે તેને આ પરવાનગી કઈ રીતે આપવામાં આવી? જોકે ગીર અભયારણ્યના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે તે પ્રતિબંધિત વિસ્તારની બહાર જીપમાંથી ઊતરી હતી. તે પ્રતિબંધિત વિસ્તારમાં હતી જ નહીં. આમ, આ વિવાદ હાલ શમી ગયો છે. આમ પણ, રકુલની અભિનય કારકિર્દીમાં કોઈ જ વિવાદ થયો નથી.
OTTનું હોટસ્પોટઃ 16 થી બાવીસ મે દરમિયાન જોવા જેવું શું છે ?
સોની ટી.વી. અને તેની ઓટીટી ચેનલ સોની લીવ પર 10 મેથી ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની પાંચમી સિઝન શરૂ થવાની છે. એની જોરશોરથી જાહેરાત કરવામાં આવતી હતી, પણ છેલ્લી ઘડીએ શું થયું એ ચેનલવાળા જ જાણે, પણ 10 મેથી આ કાર્યક્રમ શરૂ થયો નથી અને હવે એવી જાહેરાત કરવામાં આવે છે કે ટૂંક સમયમાં આ કાર્યક્રમ શરૂ થશે. આ કાર્યક્રમના જજ ગીતા કપૂર, કરિશ્મા કપૂર, જાવેદ જાફરી અને ટેરેન્સ લુઈસ છે.
-તો આવો આપણે 16 મેથી શરૂ થનારાં અઠવાડિયાં દરમિયાન શું જોવા મળશે એનાં પર એક નજર નાખીએ.
* એમેઝોન પ્રાઈમ વીડિયો: 20 મેના અહીં સાયન્સ ફિકશન સિરીઝ ‘ફોલઆઉટની બીજી સિઝનની શરૂઆત થઈ રહી છે. 22 મેએ અહીં સસ્પેન્સ ડ્રામા ‘બારબ્રાવા’ની પ્રસારણ થશે અને 15 મે એટલે કે આજે ‘એકઝામ’ નામની સાત એપિસોડની સસ્પેન્સ- ડ્રામા સિરીઝની શરૂઆત થશે.
* નેટફિલક્સ: આ લોકપ્રિય ઓટીટી ચેનલ પર આજે (શુક્રવારે) સૈફ અલી ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘કર્તવ્ય’ રજૂ થશે. આ સિવાય 19 મેના ‘વંડા સાઈક્સની બીજી સિઝન’, 21 મેએ ‘ધ બોરોગ્સ’, 22 મે એ ક્રાઈમ ડ્રામા ‘ધ વોટરફ્રન્ટ’ અને 22 મેએ જ ‘મેટિંગ સિઝન્સ’ માણવા મળશે.
* જિયો હોટસ્ટાર: અહીં આજે (શુક્રવારે) રણદીપ હુડાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સિરીઝ ‘ઈન્સ્પેકટર અવિનાશ’ની બીજી સિઝન શરૂ થઈ રહી છે. 15 મેના જ ‘બર્લિન એન્ડ લેડી વિથ ઈર્મિન’ સિરીઝની શરૂઆત થઈ રહી છે અને 20 મેના રોજ જેક રિયાન અભિનીત સિરીઝ ‘ટોમ કલાન્સ’ જોવા મળશે.