કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 3)
નામ: શેખ હસીના વાઝેદ
સમય: 2025
સ્થળ: અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારત
ઉંમર: 78 વર્ષ
એક વ્યક્તિ 78 વર્ષની ઉંમરે નિષ્કાસિત જીવન વિતાવી રહી હોય ત્યારે એ પોતાના ભવિષ્ય વિશે શું વિચારે, અથવા કઈ રીતે વિચારે... માણસ માત્રને વૃદ્ધાવસ્થામાં પોતાનું વતન યાદ આવે, એ જ વતનથી દૂર આજે, અહીં ભારતમાં બેઠી છું. પાછી જઈ શકીશ કે નહીં એ વિશે મારા મનમાં કોઈ સ્પષ્ટતા નથી ત્યારે વિતેલા દિવસોને સંભારવા સિવાય બીજું શું કરી શકું!
1971નો એ નરસંહાર પૂર્વ પાકિસ્તાન ક્યારેય ભૂલી નહીં શકે. સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા. નાના નાના બાળકોને પણ મારી નાખવામાં આવ્યા. સેનાએ રાજનીતિક સમાધાન કરવાને બદલે સૈન્યથી સમાધાન કરવાનું નક્કી કર્યું... 1970માં એમની પાર્ટી આવામી લીગને મળેલી બહુમતિના આધારે ભારતે 1972ના જાન્યુઆરી મહિનામાં મારા પિતાને પ્રધાનમંત્રી ઘોષિત કર્યા. એમણે પોતાની રીતે બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ બહુ લાંબો સમય ટકી શક્યા નહીં કારણ કે, શરણાર્થીઓનો મોટો પ્રવાહ ભારત તરફ વહી રહ્યો હતો, એમને અટકાવવાના હતા. બાંગ્લાદેશને ફરી બેઠો કરવાનો હતો.
બાંગ્લાદેશની સામે અનેક આર્થિક સંકટો હતા. દેશ યુદ્ધ પછીના આર્થિક પ્રશ્નો સાથે કામ પાડી રહ્યો હતો ત્યારે દુષ્કાળ પડ્યો. કાયદો અને વ્યવસ્થા જાળવી શકાયા નહીં. રાજનીતિક અસ્થિરતાને કારણે પાકિસ્તાન ફરી પાછું બાંગ્લાદેશને કાબૂમાં લઈ લે એવી પરિસ્થિતિ પેદા થઈ ત્યારે ચોથા સંવિધાનનું અમેન્ડમેન્ટ મૂકવામાં આવ્યું. સંસદીય પ્રણાલિને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીનું પદ હટાવી દેવામાં આવ્યું એની જગ્યાએ ફક્ત રાષ્ટ્રપતિનું પદ રાખવામાં આવ્યું. આવામી લીગને બાંગ્લાદેશ ક્રિશક શ્રમિક આવામી લીગ નામ આપીને સામ્યવાદનું સમર્થન કરવામાં આવ્યું.
પ્રેસ અને વિપક્ષ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા. રાષ્ટ્રપતિને સમગ્ર સત્તા સમર્પિત કરવામાં આવી અને 25 જાન્યુઆરી, 1975ના દિવસે મારા પિતા શેખ મુજીબુર રહેમાને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. એ વખતે એમનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નહીં, કારણ કે કોઈ વિરોધ કરી શકે એમ નહોતું, પરંતુ અસંતોષની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ.
લોકો માનતા હતા કે, સંવિધાનમાં ફેરબદલ કરીને શેખ મુજીબુર રહેમાન રાષ્ટ્રપતિ બન્યા અને એમણે તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. સંસદની સત્તાઓ સમાપ્ત કરવામાં આવી એટલે લોકશાહી ઉપર સીધો આઘાત થયો. રાજનીતિક અસ્થિરતા ઊભા થયા. પાકિસ્તાનનો હસ્તક્ષેપ તો ચાલુ જ હતો એટલે એમના તરફથી પણ અહીં વિરોધીઓ ઊભા કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી હતી. એમાં સેનાએ બળવો કર્યો. 15 ઓગસ્ટ, 1975ના દિવસે મારા પિતાની હત્યા થઈ. હું, રેહાના અને વાઝેદ-મારા પતિ જર્મનીમાં હતા ત્યાંથી સીધા ભારત આવ્યા. લગભગ 6 વર્ષ હું ભારતમાં રહી.
1981ની એ 17મી માર્ચે જ્યારે હું ઢાકાના એરપોર્ટ પર ઉતરી ત્યારે હું જ નહોતી જાણતી કે, મારું ભવિષ્ય શું હોઈ શકે... હું બસ મારા પિતાના હત્યારાઓને સજા અપાવવા માગતી હતી અને એ માટે સત્તા પર આવ્યા વગર મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. 1981થી શરૂ કરીને 1996 સુધી મેં આ સત્તા પરિવર્તન માટે દિન-રાત કામ કર્યું. અંતે, આવામી લીગની જીત થઈ. બીએનપી (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી) અને ખાલિદા ઝિયા ખરાબ રીતે હાર્યા. ફરી એક વાર અમારો પરિવાર સત્તારૂઢ થયો ત્યારે મેં મારા પિતાના કેસને ફરી ખોલાવ્યો.
1996માં મારા પિતાના હત્યારાઓને સજા કરવાની મારી મુરાદ પૂરી થઈ. એ વખતે સત્તામાં રહેલા ખાલિદા ઝિયાએ ઈન્ડેમ્નિટી ઓર્ડિનન્સ લાગુ કર્યો હતો. જેને મેં સત્તામાં આવતા રદ કર્યો અને પછી ન્યાયની લડાઈને પૂરી કરી. કેટલાક લોકોને ફાંસી થઈ, પરંતુ એમાંના ઘણા લોકો આવી રહેલી મુસીબતને ઓળખીને બાંગ્લાદેશ છોડીને એવા દેશોમાં ચાલી ગયા હતા જ્યાંથી એમને પાછા લાવવા સંભવ નહોતા. સેના પર સખત નિયંત્રણ મૂક્યું. એક કડક શાસનની શરૂઆત કરી.
બાંગ્લાદેશને એક નવી ઓળખ અને આર્થિક સ્થિરતા આપવાના મારા પ્રયાસ કેટલી હદે સફળ થયા એની મને ખબર નથી, પરંતુ મારી અને ખાલિદા ઝિયાની સત્તાના સંઘર્ષને વિદેશી પત્રકારોએ ‘બેગમ્સ રાઈવલરી’ નામ આપ્યું. ખાલિદા ઝિયાના પતિ ઝિયા ઉર રહેમાન પણ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. 27 માર્ચ, 1971ના દિવસે એમણે ચટગાંવથી રેડિયો પર ઘોષણા કરી હતી, ‘બંગબંધુ શેખ મુજીબુર રહેમાન તરફથી હું મેજર ઝિયા બોલી રહ્યો છું.
આજે એક સ્વતંત્ર બાંગ્લાદેશની ઘોષણા કરું છું.’ આ ઘોષણાએ એમને રાષ્ટ્રીય ઓળખ આપી, પરંતુ 1975માં મુજીબુર રહેમાનની હત્યા પછી રાજનીતિક અસ્થિરતાને કારણે એ ચીફ માર્શલ લો એડમિનિસ્ટ્રેટરની પોસ્ટ પર ગોઠવાયા. એમણે મુજીબુર રહેમાનના હત્યારાઓને સંરક્ષણ આપ્યું અને મુકદ્દમા ન ચાલે એ માટે પ્રયાસ કર્યો. બદલામાં 1977માં એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. એમણે બાંગ્લાદેશની રાજનીતિક સ્થિરતા માટે પ્રયાસ કર્યો. સૈન્યને કંટ્રોલ કરવાનો એમનો પ્રયાસ સરાહનીય રહ્યો. વિપક્ષને એટલે કે આવામી લીગને દબાવી દેવામાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી.
એમણે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સ્થાપના કરીને 1978માં એક ચૂંટણીમાં જનમત સંગ્રહ દ્વારા પોતાની બહુમતિ પ્રસ્થાપિત કરી. જોકે, આ વિશે ઘણા મતો પ્રવર્તે છે અને મોટાભાગના લોકો માને છે કે બીએનપી પહેલેથી ચૂંટણીમાં ગોટાળા કરતી આવી છે. ઝિયાના શાસન દરમિયાન ભારત સાથેના સંબંધો બગડ્યા. ઈસ્લામિક સમર્થક હોવાને કારણે પણ એમણે ભારતના મુસ્લિમોને સમર્થન આપ્યું અને આંતરિક વિગ્રહોને મદદ કરી એવું ઘણા લોકો માને છે.
30 મે, 1981ના દિવસે ઝિયાની હત્યા થઈ. એ જ ચટગાંવમાં જ્યાંથી એમણે બાંગ્લાદેશના અસ્તિત્વની ઘોષણા કરી હતી. એ એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. લ્યુટેનન્ટ કર્નલ એમ.એ. મંઝુર આ બળવાના લીડર હતા એમ માનવામાં આવે છે. સવારે બેથી ત્રણની વચ્ચે ચટગાંવના સર્કિટ હાઉસને ઘેરી લેવામાં આવ્યું. સાવ નજીકથી અનેક ગોળીઓ મારીને એમની હત્યા કરવામાં આવી. જોકે, બાંગ્લાદેશના આંતરિક વિગ્રહોને કારણે લ્યુટેનન્ટ મંઝુરને પણ તરત જ પકડીને મારી નાખવામાં આવ્યા... આ ષડયંત્ર કોણે રચ્યું હતું એ વિશે અંતિમ સત્ય કદી કોઈ જાણી શક્યું નહીં. કેટલાય સૈનિકો પર કોર્ટ માર્શલ કરવામાં આવ્યું. અંતે, સૈન્યના અસંતોષ અને સત્તાના સંઘર્ષને કારણ માનીને ઝિયા ઉર રહેમાનની હત્યાનો કેસ બંધ કરી દેવામાં આવ્યો.
હું જ્યારે ભારતમાં સંરક્ષણ લઈ રહી હતી ત્યારે ઝિયાના માણસો તરફથી મને વારંવાર ધમકી આપવામાં આવતી. હું બાંગ્લાદેશ પાછી ન ફરું એ માટે મને સતત ડરાવવામાં આવતી. જોકે, હું 17મી માર્ચે પાછી ફરી અને 30મી મેએ ઝિયાની હત્યા થઈ એ માટે પણ મને જવાબદાર ઠેરવવામાં આવી. હું જો એટલી જ પાવરફૂલ હોત તો બાંગ્લાદેશની બહાર રહીને જ એમની હત્યા કરાવી શકી હોત. 6-6 વર્ષ સુધી હું કંઈ ન કરી શકી એ વાત જ સાબિત કરે છે કે, ઝિયાની હત્યામાં મારો કોઈ હાથ નહોતો. આમ પણ, મારા પિતા અને પરિવારનો જે રીતે સફાયો કરવામાં આવ્યો એ પછી મને વેર કે રક્તપાતમાં કોઈ રસ રહ્યો નહોતો.
ઝિયાની હત્યા પછી બીએનપીનું નેતૃત્વ બેગમ ખાલિદા ઝિયાએ સંભાળી લીધું. એ મારી સામે આવીને ઊભાં રહી ગયા. અમારા બંને પાસે લગભગ સરખાં કારણો હતાં. લોકોની સહાનુભૂતિ જીતવા માટે. મારા પિતા અને પરિવારની હત્યા થઈ હતી તો બીજી તરફ એમના પતિને પણ મારી નાખવામાં આવ્યા હતા. મારા પિતાએ બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવી હતી તો ઝિયા ઉર રહેમાને બાંગ્લાદેશને સ્થિરતા અને રાજનીતિક સ્પષ્ટતા અપાવવામાં મદદ કરી હતી. મારા પિતાએ આવામી લીગ સ્થાપીને બુદ્ધિજીવીઓને અને વિદ્યાર્થીઓને એક દિશા આપી હતી, તો ઝિયા ઉર રહેમાને બાંગ્લાદેશ નેશનલ પાર્ટી સ્થાપીને જનસામાન્યના અવાજને બુલંદ કર્યો હતો...
હવે, મારી લડાઈ ફક્ત રાજનીતિક લડાઈ ન રહેતાં, અંગત યુદ્ધ બની ગઈ હતી. ખાલિદા ઝિયા મારો વિનાશ ઈચ્છતા હતા. મારી પાર્ટી સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ જાય તો જ બીએનપી ટકી શકશે એવું એમને પહેલી ચૂંટણીમાં જ સમજાઈ ગયું હતું. મેં જ્યારે બાંગ્લાદેશના પહેલાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા એ દિવસે જ અમારી વચ્ચે અંગત યુદ્ધની ઘોષણા પણ થઈ ચૂકી હતી. (ક્રમશ:)