Tue Jan 27 2026

Logo

White Logo

ઠંડીમાં ઠર્યું ગુજરાત: લોકો ગરમ કપડામાં કેદ, જાણો દેશમાં કેવું રહેશે હવામાન

2 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા હતા. ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે. દિવસ દરમિયાન લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. નલિયામાં સૌથી ઓછું તાપમાન 5.2 ડિગ્રી  તાપમાન નોંધાયું હતું. ભુજમાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી, મહેસાણામાં 11.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.6 ડિગ્રી, કંડલામાં 12.5 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1 ડિગ્રી, કેશોદમાં 13.4 ડિગ્રી, અમદાવાદમાં 14.2 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26 જાન્યુઆરી સુધી માવઠાનો માર પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ માવઠું પડી શકે છે. અંબાલાલના કહેવા મુજબ, હાલ પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં હિમ તાંડવની સ્થિતિ સર્જાઈ શકે છે. તેની અસર રાજસ્થાન સુધી જોવા મળી શકે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું, બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બન્ને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે.

 

મહારાષ્ટ્ર સહિત દેશમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્રના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો થવાની અને ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ હટ્યા બાદ અનેક વિસ્તારોમાં ખાસ કરીને મુંબઈ સહિત ઠાણે જિલ્લામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું અને મહત્તમ તાપમાન વધ્યું હતું.  બપોરના સમયે સામાન્ય બફારો (ગરમી) અનુભવાઈ રહ્યો છે.  

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.

આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. દિલ્હીના આયાનગરમાં પારો 2.9 ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.

ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે.

બિહારમાં આગામી ત્રણ દિવસ સુધી મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળશે. ઉપરાંત ઉત્તરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.  28 જાન્યુઆરીએ સીતામઢી, મધુબની સહિત પૂર્વ-પશ્ચિમ ચંપાપણ, સિવાન, ગોપાલગંજમાં હળવા વરસાદની શક્યતા છે. પટના સહિત અન્ય ભાગોમાં આંસિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે.