નેલ્લોર : તિરુમાલા લાડુ ઘીમાં ભેળસેળ કેસમાં સીબીઆઇના નેતૃત્વવાળી એસઆઇટીએ નેલ્લોર એસીબી કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઇએ લગભગ 15 મહિનાની તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ અંતિમ ચાર્જશીટમાં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીના ડિરેક્ટર પોમિલ જૈન અને વિપિન જૈન સહિત 36 મુખ્ય આરોપીઓના નામ છે. જેમના પર નકલી ઘી બનાવવાનો આરોપ છે. ટીટીડીના નિવૃત્ત જનરલ મેનેજર અને મૂળ ફરિયાદી પ્રલય કાવેરી મુરલી કૃષ્ણનું નામ હવે આરોપી દાખલ કરવામાં આવ્યું છે.
દિલ્હીના ઉદ્યોગપતિ અજય કુમાર સુગંધની ધરપકડ કરવામાં આવી
આ ઉપરાંત ટીટીડીના ભૂતપૂર્વ ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીના અંગત સહાયક ચિન્ના અપ્પન્ના, ટીટીડીના પ્રોકયોરમેન્ટ જનરલ મેનેજર આરએસએસવીઆર સુબ્રમણ્યમની સપ્લાયર્સ સાથે સાંઠગાંઠ બદલ ધરપકડ કરવામાં આવી હતી, વૈષ્ણવી ડેરીના સીઈઓ સપ્લાયર અપૂર્વ વિનાયકંત ચાવડા, એઆર ડેરીના એમડી આર રાજશેખરન અને દિલ્હીના ઉદ્યોગપતિ અજય કુમાર સુગંધની ધરપકડ કરવામાં આવી હતી.જેમના પર નકલી ઘી બનાવવામાં વપરાતા રસાયણો સપ્લાય કરવાનો આરોપ છે.
ભોલે બાબા ઓર્ગેનિક ડેરી ઘીમાં ભેળસેળનું મુખ્ય કેન્દ્ર
તિરુમાલા શ્રીવરી લાડુ બનાવવામાં વપરાતા ભેળસેળયુક્ત ઘીના સપ્લાય સાથે સંકળાયેલા આ કેસની તપાસ શરૂઆતમાં રાજ્યની એસઆઇટી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઇની આગેવાની હેઠળની ટીમે સમગ્ર તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં
12 રાજ્યોનો સમાવેશ થયો અને ટીટીડી ઘી કોન્ટ્રાક્ટ સંબંધિત સપ્લાય ચેઇન, પ્રોકયુરમેન્ટ રેકોર્ડ, લેબ રિપોર્ટ અને નાણાકીય પ્રવાહની બારીકાઈથી તપાસ કરવામાં આવી. એઆઇટીએ ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને કથિત છેતરપિંડીનું કેન્દ્ર તરીકે ઓળખી કાઢ્યું અને તેના ડિરેક્ટરો, પોમિલ અને વિપિન જૈનને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા છે.
રૂપિયા 250 કરોડના ભેળસેળયુક્ત ઘીનો મામલો
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ સપ્ટેમ્બર 2024 માં શરૂ થયો હતો જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ પવિત્ર પર્વત મંદિરમાં લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગનો પર્દાફાશ કર્યો હતો. જેની તપાસ બાદ પુરાવા દર્શાવે છે કે પામ તેલ અને રસાયણનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું લાગે તેવું આશરે 68 લાખ કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી વર્ષ 2019 અને 2024 ની વચ્ચે ટીટીડી સપ્લાય ચેઇનમાં મોકલવામાં આવ્યું હતું. જેની અંદાજિત વ્યવહાર કિંમત આશરે રૂપિયા 250 કરોડ હતી. તપાસ દરમિયાન, SIT એ અનેક અગ્રણી વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અથવા તેમને નોટિસ જારી કરી હતી, પરંતુ તેમને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી.