(અમારા પ્રતિનિધ તરફથી)
મુંબઈ:મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નવા ચૂંટાયેલા નગરસેવિકા ડૉ. સરિતા મ્હસ્કે આખરે મળી ગયા છે. ઉદ્ધવની શિવસેના પાર્ટીના સેક્રેટરી મિલિંદ નાર્વેકરે, જે ઉદ્ધવ ઠાકરેના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે, તેમણે હાથમાં કમાન લેતા સરિતા મ્હસ્કે બુધવારે મોડી રાત્રે તેમના પતિ સાથે મુંબઈમાં મિલિંદ નાર્વેકરના ઘરે પહોંચ્યા હોવાનું જાણવા મળયું હતું.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના વરિષ્ઠ નેતાઓએ મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાના મેયરને બેસાડવા માટે 'ઓપરેશન ધનુષ્યબાણ ' ઝુંબેશને અમલમાં મૂકી છે. તેમના પોતાના નગરસેવકો ને હોટલમાં સુરક્ષિત રીતે રાખવા અને અન્ય પક્ષોના નગરસેવકોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, ઠાકરે જૂથના સતત બે દિવસ સુધી સરિતા મ્હસ્કે અચાનક ગાયબ રહ્યાં પછી, 'માતોશ્રી'ના વિશ્વાસુ મિલિંદ નાર્વેકરે 'ઓપરેશન મશાલ' ઝુંબેશ શરૂ કરી હતી અને મ્હસ્કેનો સંપર્ક કર્યો હતો.
શિવસેનાના નવા ચૂંટાયેલા નગરસેવક (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટી સાથે છે તે સંદેશ આપવામાં ઉદ્ધવ ઠાકરે સફળ રહ્યા હતા. છેલ્લા 24 કલાકથી મ્હસ્કે ક્યાં હતા તે અંગે હજુ સુધી કોઈ વધુ વિગતો ઉપલબ્ધ નથી. આગામી દિવસોમાં મુંબઈના મેયર ન બને ત્યાં સુધી તમામ પક્ષોના નગરસેવકો નું પક્ષ પલટો ચાલુ રહેશે. જોકે હવે કોંગ્રેસના અને ઉદ્ધવ ના પોતાના ૬૪ નગરસેવકનું કોંકણ ભવન માં નોંધણી થઈ ગઇ છે તેથી તેઓ હવે પક્ષ પલટો કરી શકશે નહીં.
આ દરમ્યાન મિલિંદ નાર્વેકર ફરી એકવાર ઉદ્ધવ માટે સંકટમોચન સાબિત થયા છે.
શું છે આખો ઘટનાક્રમ
મુંબઈ મહાનગર પાલિકાની ચુંટણી પછી પાલિકામમાં વિવિધ સમિતિના ચેરમેનો અને પક્ષનું સંખ્યાબળ ટકાવી રાખવાનું ચાલી રહ્યું છે, ત્યારે ઉદ્ધવની શિવસેના પાર્ટીને બુધવારે આંચકો લાગ્યો. મુંબઈ મહાનગર પાલિકા માં જૂથ નોંધણી માટે કોંકણ ભવનમાં પાર્ટીના ૬૫ કોર્પોરેટરોમાંથી માત્ર ૬૪ નગરસેવક હાજર રહ્યા હતા. ચાંદિવલી વોર્ડ નંબર ૧૫૭ની નગરસેવિકા સરિતા મ્હસ્કે ગેરહાજર રહી હતી. સમગ્ર દિવસ તે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાવાની અટકળો ચાલી રહી હતી.