તિરુવનંતપુરમ: ચૂંટણી ટાણે કેરળના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તિરુવનંતપુરમમાં અનેક વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ સાથે જનસભાને સંબોધી હતી. આ તકે તેમણે કેરળના બદલાતા રાજકીય વાતાવરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યમાં હવે પરિવર્તનની લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. તિરુવનંતપુરમમાં ઉમટેલી જનમેદનીનો ઉત્સાહ જોઈ પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં આ શહેર સમગ્ર દેશ માટે મોડેલ સિટી તરીકે ઉભરી આવશે.
ભાજપના સંઘર્ષ અને સફળતાના ઈતિહાસને વાગોળતા વડા પ્રધાને ગુજરાત સાથે કેરળની તુલના કરી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષ 1987માં ભાજપે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને ગુજરાતમાં સત્તાના પાયા નાખ્યા હતા, તેવું જ ચિત્ર આજે તિરુવનંતપુરમમાં જોવા મળી રહ્યું છે. જે રીતે ગુજરાતે દાયકાઓ સુધી ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે, તે જ રીતે હવે કેરળની જનતા પણ ભાજપ સાથે જોડાઈ રહી છે અને રાજ્યમાં કમળ ખીલવાની શરૂઆત થઈ ચૂકી છે.
વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, અત્યાર સુધી LDF અને UDF બંને ગઠબંધનોએ તિરુવનંતપુરમની ધરાર અવગણના કરી છે. અહીં પાયાની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદંતર અભાવ જોવા મળે છે કારણ કે ડાબેરીઓ અને કોંગ્રેસ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેરળમાં ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને તુષ્ટીકરણની રાજનીતિએ રાજ્યને વિકાસની રેસમાં પાછળ ધકેલી દીધું છે.
વડા પ્રધાને વધુમાં ઉમેર્યું કે, LDF અને UDF ભલે અલગ-અલગ ઝંડા હેઠળ લડતા હોય, પરંતુ તેમનો એજન્ડા અને કાર્યશૈલી સમાન છે. આ બંને પક્ષોને ખબર છે કે દર પાંચ વર્ષે તેમને વારાફરતી સત્તા મળવાની છે, પરિણામે તેઓ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. કેરળના વિકાસ માટે હવે ભાજપ અને NDA એક સશક્ત 'ત્રીજા વિકલ્પ' તરીકે ઉભરી આવ્યા છે, જે માત્ર વિકાસ અને સુશાસનને જ પ્રાધાન્ય આપે છે.
અંતમાં તેમણે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કેરળની વર્તમાન સરકાર કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં અવરોધો ઊભા કરી રહી છે. પીએમ આવાસ યોજના હોય કે પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું કામ, રાજ્ય સરકારની આડોડાઈને કારણે કેરળના ગરીબ પરિવારો અને બાળકો આ સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેમણે કેરળવાસીઓને આ અવરોધો દૂર કરી વિકાસના પથ પર આગળ વધવા આહવાન કર્યું હતું.