લાહોરઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આગામી સાતમી ફેબ્રુઆરીએ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરી એટલે હવે બધાની નજર પાકિસ્તાન પર છે, કારણકે થોડા દિવસ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી હતી કે આઇસીસી જો બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી કાઢી મૂકશે તો અમે (પાકિસ્તાન) પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું. જોકે આ ખોટું કમિટમેન્ટ કરી ચૂકેલા પાકિસ્તાન માટે હવે આબરૂનો સવાલ છે.
ભારતને ગયા વર્ષે એશિયા કપની ટ્રોફીથી વંચિત રાખનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી (Naqvi)એ શનિવારે લાહોરમાં પત્રકારોને કહ્યું હતું કે ` બાંગ્લાદેશને કાઢી મૂકવામાં આવ્યું એટલે અમારી નૅશનલ ટીમ આગામી ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં એનો અંતિમ નિર્ણય અમે થોડા દિવસમાં લઈશું. અમારા વડા પ્રધાન શાહબાઝ શરીફ વિદેશ ગયા છે. તેઓ પાછા આવશે ત્યારે તેમના આદેશ મુજબ અમે વર્લ્ડ કપમાં રમવું કે નહીં એ નક્કી કરીશું.'
આઇસીસીનો બાંગ્લાદેશને અન્યાયઃ નકવી
નકવીએ એવું પણ કહ્યું હતું કે ` અમને વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif) જે સલાહ આપશે એ મુજબ નિર્ણય લઈશું. જો તેઓ નક્કી કરશે કે અમારે વર્લ્ડ કપમાં ન રમવું જોઈએ તો અમે નહીં જ રમીએ. અમે આઇસીસીને કહી દઈશું કે તમે અમારા સ્થાને બીજા કોઈ દેશની ટીમને બોલાવી લો. બાંગ્લાદેશને આઇસીસીએ અન્યાય કર્યો છે. એક દેશ (ભારત)ના દોરીસંચારથી આઇસીસી નિર્ણયો લઈ રહ્યું છે. જો ભૂતકાળમાં પાકિસ્તાન અને ભારતની મૅચના સ્થળ બદલાવવામાં આવ્યા હતા તો પછી બાંગ્લાદેશના ક્રિસ્સામાં કેમ એવું ન થઈ શકે?'
15મીએ ભારત-પાકિસ્તાન મુકાબલો છે
વર્લ્ડ કપમાં હવે બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને રમવા મળશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રમાવાની છે. જોકે બાંગ્લાદેશની હકાલપટ્ટી થઈ એટલે હવે પાકિસ્તાને નાક બચાવવા બાંગ્લાદેશને ટેકો આપવો જ રહ્યો. જો એવું થશે તો બાંગ્લાદેશની જેમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ મોટું આર્થિક નુકસાન થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં 15મી ફેબ્રુઆરીએ જંગ થવાનો છે, પરંતુ હવે પાકિસ્તાન પણ ખસી જશે તો ભારતની મૅચ અન્ય કોઈ દેશ સામે રમાશે.