Thu Jan 29 2026

Logo

White Logo

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને નમન કર્યા, બે મિનીટ મૌન પાળ્યું...

2 days ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: આજે દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી, તેમણે દેશની રક્ષાની ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય ઉજવણી પહેલા આજે સવારે વડા પ્રધાન મોદી સ્મારક પર પહોંચ્યા હતાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. 

વડાપ્રધાને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. શહીદોનાં માનમાં વડાપ્રધાને બે મિનિટનું મૌન પાળ્યું, મૌન બાદ "રાઉસ" ના નારા લગાવવામાં આવ્યા. ગાર્ડ કમાન્ડર દ્વારા "સલામી શાસ્ત્ર" નો કમાંડ આપ્યા બાદ સ્મારક  સ્થળ પરનો સમારોહ ઔપચારિક રીતે પૂર્ણ થયો હતો.

સ્થળ છોડતા પહેલા વડાપ્રધાને વિઝીટર બૂકમાં હસ્તાક્ષર કર્યા અને ત્યાર બાદ કર્તવ્ય પથ પર સલામી મંચ તરફ રવાના થયા હતાં. આ સમારોહ પ્રજાસત્તાક દિવસની કાર્યવાહીની પરંપરાગત શરૂઆત છે.

વડાપ્રધાન કર્તવ્ય પથ પર પહોંચ્યા બાદ પ્રજાસતાક દિવસની પરેડ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીનો વિષય "વંદે માતરમના 150 વર્ષ" છે. પરેડમાં ભારતની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

શહીદોની યાદમાં સ્મારક:
વડાપ્રધાન મોદીએ 2019 માં ઇન્ડિયા ગેટ સંકુલમાં સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્મારક 1962 ના ભારત-ચીન યુદ્ધ, 1947, 1965 અને 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધો, શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા દળના ઓપરેશન, 1999 ના કારગિલ યુદ્ધ, યુએન શાંતિ રક્ષા મિશનમાં બલિદાન આપનારા ભારતીય સૈનિકોની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે.