- પ્રફુલ શાહ
પુણે નજીક આવેલા 2000 વર્ષ જૂના લોહગઢ કિલ્લામાં 24 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલની હત્યાએ ‘લોહગઢ કાંડ’ શબ્દને જન્મ આપ્યો. અહીં કેતન અગ્રવાલ અને તેની મંગેતર સિયા ગોયલના કિસ્સાના પોસ્ટમોર્ટમ કે વિશ્ર્લેષણનો ઉપક્રમ નથી. પણ આ ભયંકર અપરાધથી મહારાષ્ટ્રના લોનાવાલા પાસેના ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર પ્રવાસીઓની ભીડમાં 25 ટકા વધારો નોંધાયો છે. ક્રાઈમ સીન પર ફોટા અને રીલ્સ બનાવવા માટે લોકો ઊમટી રહ્યા છે.
હકીકતમાં લોહગઢની ઓળખ કોઇ કાંડની મોહતાજ નથી. એ તો અભેદ્ય કિલ્લો છે, ભવ્ય ને ભાતીગળ ઇતિહાસનો સ્વામી છે. મોટાભાગનાને ખબર નહિ હોય કે મધ્યયુગમાં લશ્કરી કિલ્લો બનતા પહેલાં સાતવાહન કાળમાં આ ડુંગર દિગંબર જૈન મુનિઓના પ્રાચીન પ્રાર્થના અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતો હતો.
અત્યારે પણ લોહગઢ અને જૈન ધર્મ વચ્ચેના સંબંધના ઇતિહાસ વિશે ત્યાંની શિલાલેખોના રૂપમાં મજબૂત પુરાવા છે. એક શિલાલેખમાં તો બ્રાહ્મી લિપિમાં ‘ણમો અરિહંતાણં’ લખાયેલું છે. લોહગઢ પર મળેલો આ શિલાલેખ અદ્લ માવળ તાલુકાની પ્રસિદ્ધ પાળે ગુફામાં ઈ.સ. 1969માં મળેલા જૈન શિલાલેખ સાથે અત્યંત મળતો આવે છે. બંને શિલાલેખોમાં ‘ઇદારખિતા’ (ઇન્દ્ર રક્ષિત) નામના એક જ દાનવીર વ્યક્તિનો ઉલ્લેખ ઉડીને આંખે વળગે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયમાં જૈન વેપારીઓ અને દિગંબર જૈન મુનિઓ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસવાટ હોવો જોઈએ. આ ગુફાઓ મુખ્યત્વે જૈન દિગંબર મુનિઓના ધ્યાન, સાધના અને નિવાસ માટે બનાવવામાં આવી હતી, એવું લગભગ બધા ઇતિહાસ સંશોધકોનું માનવું છે. ગુફાઓમાં મુનિઓને બેસવા માટે પથ્થરની બેઠકો પણ બનાવવામાં આવી છે.
લોહગઢ માત્ર મહારાષ્ટ્રનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતના પ્રાચીન ઇતિહાસનો ભવ્ય વૈભવ છે. આ કિલ્લામાંના અવશેષો સાક્ષી પુરાવે છે કે આ કિલ્લો સાતવાહન, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ અને યાદવ રાજવંશોના કબજામાં રહ્યો હતો. પછી બહમની તથા નિઝામશાહીના શાસન હેઠળ પણ રહ્યો. ઈ.સ. 1648માં છત્રપતિ શિવાજી મહારાજે આ કિલ્લો આદિલશાહી પાસેથી જીતીને સ્વરાજ્યમાં સામેલ કર્યો હતો.
જોકે ઈ.સ. 1665માં પુરંદરના કરાર અન્વયે શિવાજી મહારાજને આ કિલ્લો મુગલોને સોંપવો પડ્યો હતો. પરંતુ ત્રણ જ વર્ષમાં એટલે કે ઈ.સ. 1670માં મહારાજે ફરી મુગલોને ધુળ ચાટતા કરીને લોહગઢ પાછો મેળવી લીધો હતો. લગભગ ઈ.સ. 1720 આસપાસ આ કિલ્લો પેશવાઓના અધિકાર હેઠળ હતો.
લોહગઢ અર્થાત્ ‘આયર્ન ફોર્ટ’ સહ્યાદ્રીની પહાડીઓમાં આવેલો ઐતિહાસિક મરાઠા કિલ્લો છે. 1033 મીટર એટલે કે 3389 ફૂટની ઊંચાઈ પર આવેલો આ કિલ્લો ચાર ભવ્ય દરવાજા અને અનોખી વિંચુકડા (એટલે કે વીંછીની પૂંછડી) નામની ડુંગરધાર ધરાવે છે. મુંબઈથી 95 કિમી અને પુણેથી 50 કિમી દૂર આવેલો આ કિલ્લો લોનાવાલા નજીકનું લોકપ્રિય ટ્રેકિંગ સ્થળ છે.
પર્યટકો માટે લોહગઢના મુખ્ય આકર્ષણોમાં મહા દરવાજા (ગ્રેટ ગેટવે), પાણીની પ્રાચીન ટાંકીઓ અને પવના જળાશયની રમણીયતા છે. અહીંની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય અત્યારે છે. હા, ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર માણી શકાય. હરિયાળી કે શિયાળામાં રસ હોય તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચે પ્લાન કરાય.
ટૂંકમાં, લોહગઢ એકાદ રકતરંજીત કુસંબંધથી અનેકગણું ને અદકેરું મહત્ત્વ ધરાવે છે એ ક્યારેય ન ભૂલી શકાય. ભવ્ય ઇતિહાસ જ લોહગઢનો સાચુકલો, અસલી અને એકમાત્ર પરિચય છે.