અમદાવાદ: અમદાવાદના રામોલ વસ્ત્રાલ ગામની સીમમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે થયેલા ભયાનક અને બ્લાસ્ટની ઘટનાના 9 શ્રમિક જીવતા ભુંજાયા હતા. આ મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે ત્યારે હવે આ ગુનાની સઘન તથા ઉંડાણપૂર્વકની તપાસ માટે અધિક પોલીસ કમિશનર, સેકટર-2ના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (SIT)ની રચના કરવામાં આવી છે.
અમદાવાદના રામોલ વસ્ત્રાલ ગામની સીમમાં આર. એ. એફ. કેમ્પની પાછળ ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં શનિવારે બપોરના 3:30 વાગ્યાના અરસામાં બ્લાસ્ટ થતા ફેક્ટરીમાં કામ કરતા કુલ 9 મજૂરના મોત થયા હતા અને 6 જણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બાબતે રામોલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની, સ્ફોટક પર્દાથ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્યારે હવે આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આદેશ જાહેર કરીને આ ગુનાની સઘન તથા ઉંડાણપૂર્વકની તપાસ માટે અધિક પોલીસ કમિશનર, સેકટર-2ના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (SIT) ની રચના કરવામાં આવી છે, જેમાં ઝોન-8 નાયબ પોલીસ કમિશનર મયુર પાટીલ, એસ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર વાય.એ.ગોહિલ અને રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. ડી. મોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ SITનું સુપરવિઝન અધિક પોલીસ કમિશનર સેકટર - ર ના શિરે રહેશે. આ સમગ્ર તપાસનો અહેવાલ તપાસના દસ દિવસની અંદર મોકલી આપવાનો રહેશે. ઘટનાસ્થળેથી તમામ ભૌતિક, વૈજ્ઞાનિક, દસ્તાવેજી તથા ડિજિટલ પુરાવાઓ નિયમ મુજબ એકત્રિત કરી તેમની કસ્ટડી જાળવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ તપાસમાં FSL, વિસ્ફોટક નિષ્ણાતો, ઇલેક્ટ્રિકલ નિષ્ણાતો, ફાયર વિભાગ, શ્રમ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન કરી જરૂરી તપાસ કરાવવાની રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ સમયમર્યાદામાં ચાર્જશીટ સંબંધિત અદાલતમાં દાખલ કરવાની કાર્યવાહી કરવાની રહેશે.
આ ગુનાના કામે ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ સાથે સતત સંકલન રાખી જરૂરી પુરાવા, સાક્ષીઓ તથા દસ્તાવેજો સમયસર ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવાની તેમજ કેસના ટ્રાયલમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તેવી સૂચના આપવામાં આવી છે.