ગાંધીનગર: ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ અને દરિયાકાંઠાના માછીમારોની સુખાકારી માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ કલ્યાણકારી નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવા માટે રૂ. 297. 11 કરોડથી વધુના ખર્ચે વિવિધ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગીર સોમનાથના સૈયદ રાજપરા ફિશ લેન્ડિંગ સેન્ટરનું અપગ્રેડેશન
ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે આશરે 3100 સક્રિય માછીમારો અને 347 જેટલી બોટ સંકળાયેલી છે. જ્યાં 753 બોટની ક્ષમતાવાળું કેન્દ્ર, વાર્ફ વોલનું વિસ્તારણ, રીકલેમેશન, સી.સી. રોડ/પ્લેટફોર્મ, નેટ મેન્ડિંગ શેડ અને ડ્રેજિંગ વગેરે સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે.
પોરબંદર મત્સ્ય બંદર ખાતે ડ્રેજિંગ કામગીરી
પોરબંદર ખાતે આશરે 5749 સક્રિય માછીમારો અને 4194 એફ.આર.પી. તથા ટ્રોલર બોટો કાર્યરત છે. જ્યાં પોરબંદર મત્સ્ય બંદરની ક્ષમતા અને અવરજવર સુગમ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) મારફત વિવિધ વિસ્તારોમાં ડ્રેજિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
વલસાડના ફણસા મત્સ્ય ઉતરાણ કેન્દ્રનો વિકાસ
વલસાડ જિલ્લાના ફણસા ખાતે 1318 સક્રિય માછીમારો છે. જ્યાં કોંક્રીટ સરફેસ, રિક્લેમેશન અને સોલાર એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ જેવી ભૌતિક અને પાયાગત સુવિધાઓ ઊભી કરાશે.
ફિશિંગ બોટો 24 કલાક બંદરમાં અવર-જવર કરી શકશે
આ પ્રોજેક્ટથી ફિશિંગ બોટો 24 કલાક બંદરમાં અવર-જવર કરી શકશે, જેથી માછલીઓનો બગાડ અટકશે. ગુણવત્તા જળવાઈ રહેવાથી માછીમારોને બજારમાં સારા ભાવ મળશે. મત્સ્ય નિકાસ વધવાથી વિદેશી હૂંડિયામણ મળશે તથા સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે.