સુરત: માનવતા અને લોહીના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. અહીં સગી માતા અને સાવકા પિતાએ પોતાના જ 5 વર્ષના માસૂમ બાળકને જિંદગીનો બોજ સમજીને સાત મહિના પહેલાં એક ચોપાટી પર લાવારિસ હાલતમાં તરછોડી દીધો હતો. પાપ પર પડદો પાડવા અને સમાજ તેમજ કાયદાથી બચવા માટે આ ચતુર દંપતીએ બાળક તાજેતરમાં ગુમ થયું હોવાનું નાટક રચી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, સુરત પોલીસની તીક્ષ્ણ નજરે આ ક્રૂર સાઝિશનો પર્દાફાશ કરી નાખ્યો છે.
પોલીસ સ્ટેશનમાં રડીને ખોટી વાર્તા ઊભી કરી
વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય રવિ અને તેની પત્ની દુર્ગાએ વરાછા પોલીસ મથકે પહોંચીને ચોધાર આંસુએ રડવાનું શરૂ કર્યું હતું. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમનો 5 વર્ષનો દીકરો અમન ઘરના આંગણામાં રમતા-રમતા અચાનક ગુમ થઈ ગયો છે. બાળકના ગુમ થવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક પૂછતાછ દરમિયાન જ માતા-પિતાના ચહેરાના હાવભાવ અને વાતોમાં વિરોધાભાસ જણાતાં પોલીસને શંકા ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના આશરે ૨૫ જેટલા સીસીટીવી ફૂટેજ ખૂબ જ બારીકાઈથી તપાસ્યા પરંતુ દંપતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કોઈ જ પ્રમાણ ન મળતાં પોલીસે બંનેની આગવી ઢબે આકરી પૂછતાછ કરી હતી, જેમાં કળિયુગી માતા-પિતા ભાંગી પડ્યા હતા અને સત્ય કબૂલ કર્યું હતું.
બીજી શાદી અને માસૂમ પર અત્યાચાર:
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, માસૂમ અમન એ દુર્ગાના પહેલા પતિ રાજકુમારનો પુત્ર હતો. દુર્ગાએ રવિ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાવકો પિતા રવિ અને સગી માતા દુર્ગા આ બાળકને પોતાની સાથે રાખવા કે તેનો ઉછેર કરવા બિલકુલ તૈયાર નહોતા. જેથી આ બાળકને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર ષડયંત્ર રચ્યું અને 01 ડિસેમ્બર 2025ના રોજ જ અમનને વરાછાની જગદીશનગર ચોપાટી પર એકલો અટૂલો છોડી દીધો હતો.
તાજેતરમાં આસપાસના લોકોએ બાળકની પૂછપરછ શરૂ કરતાં, પકડાઈ જવાના ડરથી તેમણે તાજેતરમાં બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને માસૂમ અમનને કતારગામ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાંથી હેમખેમ શોધી કાઢ્યો છે, જ્યાં તે સુરક્ષિત છે. પોલીસે આરોપી રવિ અને દુર્ગા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ધારા ૯૩ અને ૬૧(૨) હેઠળ ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી બંનેની સત્તાવાર ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.