મિલકતની નોંધપોથી - નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
આગલા અંકમાં આપણે પાવર ઓફ એટર્ની યાને કુલમુખત્યારનામા વિશે તથા પાવર ઓફ એટર્ની રદ થવા અંગે કાયદાકીય જોગવાઈઓ વિશે જાણકારી મેળવેલી. આથી હવે આજે અહીં આપણે પાવર ઓફ એટર્ની યાને ક્યારે અને કયા કયા સંજોગોમાં રદ ન થઈ શકે તેવા કુલમુખત્યારનામા વિશે જાણકારી મેળવી લઈએ.
સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની આપનાર પોતાની ઇચ્છા પ્રમાણે મરજીમાં આવે તે સમયે રદ કરી શકે છે, તે માટે એ પોતાનો ઈરાદો લેખિતમાં જણાવી રદ કરી શકે છે. આમ છતાં , અમુક સંજોગોમાં એ રદ ન થઈ શકે.એ ઇચ્છે તો નોટીસ આપીને અથવા મૌખિક સુચનાથી તે પાવર ઓફ એટર્નીનો અંત લાવી શકે છે, પરંતુ જો પાવર આપનારના હક્ક, હિતનાં રક્ષણ માટે આવા લેખમાં કિંમતી અવેજ આપવામાં આવેલ હોય તો તે સંજોગોમાં પાવર ઓફ એટર્નીનો લેખ રદ થઈ શકે નહીં. તેવી જ કિંમતી જામીનગીરીના અવેજીમાં આપેલ પાવર યા સિક્યોરિટી તરીકે આપેલો પાવર પણ રદ થઈ શકે નહીં. આવા પાવર ઓફ એટર્નીના લેખમાં યોગ્ય કાર્યવાહી અને કાયદા મુજબ કરેલો પાવર ઓફ એટર્નીના કરારમાં જણાવેલ સ્પષ્ટ યા ગર્ભિત શરતોમાં જણાવ્યા વિના રદ પણ ન થઈ શકે અને તેમાં ફેરફાર
પણ ન થઈ શકે. જો કોઈ ઘટનાના બનાવ ઉપર પાવર આધારિત હોય જ્યાં સુધી તેવી ઘટના ન બને ત્યાં સુધી તેવો પાવર સસ્પેન્ડ થયેલો ગણાશે યાને ત્યાં સુધી તે પાવર મોકુફ રહે છે.
ઘણીવાર પાવર આપનાર અને પાવર લેનાર વચ્ચે થયેલા એટર્નીના લેખને ‘રદ ન થઈ શકે તેનો પાવર ઓફ એટર્ની’ યા ‘ઇરરીવોકેબલ પાવર ઓફ એટર્ની’ જેવા મથાળા કે હેડિંગ હેઠળ લેખ સંપૂર્ણ કરવામાં આવે છે, પરંતુ પાવર ઓફ એટર્નીમાં જણાવેલ શરતો એવું જાહેર કરતા ન હોય કે, પાવર લેનારના તરફેણના હિત સાથે જોડાયેલી છે. યાને એટર્નીનું હિત સમાયેલો છે તો તે સંજોગોમાં પાવર ઓફ એટર્નીના લેખમાં માત્ર ‘રદ કરી ન શકાય’.
પાવર આપનારના મૃત્યુ પછી પાવર ઓફ એટર્ની અંગેની કાયદાકીય જોગવાઈ:
પાવર આપનાર અને પાવર લેનાર વચ્ચે શેઠ (માસ્ટર) અને એજન્ટ તરીકેના સંબંધો હોય છે યાને બન્ને વચ્ચે એજન્સીનો સંબંધ ઉત્પન્ન થાય છે. પાવર આપનાર જીવનકાળ સુધી કાર્યાન્વિત અને અસરકારક રહે છે. આથી સ્વાભાવિક રીતે પાવર આપનારના મૃત્યુ પછી તેઓ વચ્ચે થયેલ પાવર ઓફ એટર્નીનો કરાર આપોઆપ રદ થયેલો ગણાય અને તેવો પાવર અસરકારક રહેતો નથી. આમ પાવર આપનારના મૃત્યુ પછી પાવર લેનાર યાને એટર્નીએ પાવર આપનાર વતી કરેલો વેચાણનો દસ્તાવેજ ગેરકાયદેસર ઠરે છે.. પાવર ઓફ એટર્નીમાં જણાવેલ હેતુ જ્યાં સુધી પૂર્ણ થાય યા સમાપ્ત થાય અથવા તેવો હેતુ પૂર્ણ કરવો અશક્ય બને ત્યાં સુધી પાવર ઓફ એટર્નીનો કરાર અમલમાં રહી શકે . આમ પાવર આપનારનો ઈરાદો, પાવરના હેતુઓ અને ઘટના વખતના સંજોગો આ તમામ બાબતો ઉપર પાવરની મુદ્તનો આધાર રહેલો છે.
પાવર ઓફ એટર્નીનો લેખ થયા બાદ એટર્નીનું હિત ઉત્પન્ન થાય તો પણ પાવર રદ કરી શકાય....નામદાર સુપ્રિમ કોર્ટે એમ.જોન કોટેહૈયા વિ. એ. દિવાકરના કેસમાં સ્પષ્ટપણે ઠરાવેલ છે કે, પાવર ઓફ એટર્નીનો લેખ કર્યા બાદ કોઈ કૃત્ય કે કાર્યવાહીના કારણે જો એજન્ટની તરફેણમાં હિત ઉત્પન્ન થાય તો તે સંજોગોમાં પાવર ઓફ એટર્નીનો લેખ રદ થઈ શકે... અવેજ આપવામાં આવેલ હોય તો તે તમામ સંજોગોમાં પાવર ઓફ એટર્ની ઇરરીવોકેબલ યાને રદ ન થઈ શકે તેવો ગણાય અન્યથા કોઈપણ પાવર ઓફ એટર્નીનો લેખ પાવર આપનારના મૃત્યુ સાથે પાવર ઓફ એટર્નીનો લેખ રદ થાય છે.