ચાલો, થોડા માણસ બનીએ
- જૂઈ પાર્થ
માણસ એટલે બે હાથ, બે પગ, એક માથું, ધડ બસ? આટલું હોવાથી માણસ બની જવાય? ના અંગોને ભેગા કરીને માણસ કહેવાય પણ એમાં માણસાઈ ઉમેરાય ત્યારે માણસ બનાય! માણસ હોવા અને માણસ બનવામાં ફેર તો ખરો ને? જન્મે માણસ હોવાય અને ઉછેર તથા અનુભવે માણસ બનાય.
આજકાલ સમગ્ર વિશ્વમાં આધિ-વ્યાધિ-ઉપાધિ જોવા મળે છે. કોઈ જગ્યાએ જંગલમાં આગ લાગે છે તો ક્યાંક ભૂકંપ અને સુનામી જેવી આફતો ત્રાટકે છે. કોઈ પ્રદેશ પૂરગ્રસ્ત છે તો કોઈ જગ્યાએ કારમો દુકાળ. કોઈ જગ્યાએ આભ ફાટે છે તો કોઈ જગ્યાએ કાળઝાળ ગરમી પડે છે. વિશ્વ સાત ખંડો ઉપરાંત કેટલાય ભાગોમાં વહેંચાઈ ગયું હોય એવું લાગે છે. મિત્ર દેશ દુશ્મન બને છે તો કોઈ ઠેકાણે દેશમાં અંદરોઅંદર કોમી રમખાણો ચાલે છે. કોઈ કોઈ દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે તો કોઈ દેશો જમીન ને સત્તા માટે ઝઘડે છે. કોઈ દેશમાં આતંકી હુમલા થાય છે તો કોઈ દેશમાં વિમાન દુર્ઘટના. આ બધું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવા છતાંય વર્ષ 2025-26માં તો એક દિવસ પણ અકસ્માત વિનાનો નથી જોયો નથી સાંભળ્યો એમ લાગે છે. કોઈ આને કળિયુગનો પ્રતાપ કહે છે તો કોઈ કર્મોનું ફળ!
ચારેબાજુ નકારાત્મકતાનો ભાર વધી રહ્યો હોય તેમ લાગે છે. દુ:ખ, પીડા, લાચારી, ચોરી-લૂંટફાટ, ગુંડાગીરી, હત્યા, દગાખોરી, દુષ્કર્મ વગેરેના સમાચારથી અખબારો, ન્યૂઝ ચૅનલ, સોશ્યલ મીડિયા ભરેલા હોય છે. કોઈવાર તો વિચાર આવે કે સારું કંઈ જોવા માટે શું જોવું ને શું વાંચવું! આ સમયમાં આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું એ કહેવું તો મુશ્કેલ છે, પણ આપણે માનસિક રીતે સ્વસ્થ અને નિરોગી કેવી રીતે રહી શકીએ એ આપણા હાથમાં છે.
ગમે તેટલી તકલીફ, ચિંતા, નકારાત્મકતામાં પણ આપણે સ્વસ્થ ત્યારે જ રહી શકીએ જ્યારે આપણે નિ:સ્વાર્થ ભાવે કેટલાક સદ્ગુણો જીવનમાં ઉતારીએ. સ્વાર્થહીન, અપેક્ષા રહિત, દયા, કરુણા, સહાનુભૂતિ, જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વગેરે જેવા ગુણોથી જ માણસમાં માણસાઈ આવે છે. બીજાને મદદ કરવી, તેમનો વિશ્વાસ કેળવવો, તેમને પ્રેમ આપવો, તેમની સાથે સારો વ્યવહાર કરવો, તેમને માન આપવું વગેરેથી સાહચર્ય સરળ બને છે.
પ્રૅક્ટિકલી જોઈએ તો રોજિંદા જીવનમાં, આપણામાંથી કોઈનાથી પણ આ બધા જ સદ્ગુણો જીવનમાં ઉતારવા સહેલા નથી, પરંતુ જો આમાંથી એક કે બે ગુણ અપનાવીને બીજા ગુણો તરફ માત્ર ધ્યાન આપી થોડું થોડું અપનાવવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે સાચી દિશામાં આગળ વધીએ છીએ એમ કહી શકાય. આમ કરવાથી એક વ્યક્તિ તરીકે દિવસે ને દિવસે વધુ સારા બનવામાં મદદ થાય છે. એક સારી વ્યક્તિ પણ સારા સમાજનું નિર્માણ કરવા માટે કાફી હોય છે.
કોઈને નાની નાની વાતે મદદરૂપ થવું એટલે માણસાઈ. આપણાથી કદાચ બે દેશ વચ્ચેનું યુદ્ધ અટકાવી ના શકાય, પરંતુ ઘરમાં એકમેકનું મન અને માન સાચવીને ગૃહક્લેશ ચોક્કસ ટાળી શકાય. જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કે શિયાળામાં ગરમ કપડાં/ધાબળો આપીને તેમને રાજી કરી શકાય. લોકોનાં દુ:ખે દુખી ના થઈએ તો ચાલે પણ તેમનાં દુ:ખનું કારણ ના બનીએ એ માણસાઈ છે. માણસાઈ રાખવી એટલી મહાન નથી જેટલી આપણે માનીએ છીએ.
સૂક્ષ્મ બાબતો કે જેનું કદાચ દેખીતી રીતે એટલું મહત્ત્વ નથી એવી બાબતોનું ધ્યાન રાખવું એ માણસાઈ છે. જો જગત આપણી સાથે ખરાબ કરે તો તેને રોકવું આપણી ફરજ, પરંતુ તેનો બદલો ના લઈ ઈશ્વર પર ન્યાય છોડવો એ માણસાઈ છે. માણસાઈનાં દીવા બળે છે માટે જ દુનિયામાં જ્યારે જેને જેની જરૂર હોય તે અચાનક ક્યાંયથી પણ આવી મળે છે. જ્યાં સુધી માનવતા નહીં મરી પરવારે ત્યાં સુધી માણસાઈ જીવંત રહેશે. માણસને માણસ થતાં આવડે એટલું બસ! આ વિશે બોલો, તમે શું કહો છો?