આવેશમાં લીધેલો બદલો કયારેક વેરમાં અધૂરપ મૂકી જતો હોય છે... પૂરતું વેર ન લેવાયું એનો અફસોસ રહી જતો હોય છે. એવે વખતે કોઈ કોઈ વ્યક્તિ થોડી ધીરજથી યોજનાબદ્ધ કઈ રીતે વેરની વસૂલાત કરે છે એ જાણવા જેવું છે.
વેર વાળવા કપલ કરી રહ્યું છે પ્લાનિંગ
- ભરત ઘેલાણી
તમે દેવ હોય કે દાનવ... પ્રત્યેક માણસમાત્રમાં એક યા બીજી રીતે વૈરવૃત્તિ તો રહેવાની. પછી ભલેને એ વાર્તા-ફિલ્મમાં પ્રગટ થાય કે વાસ્તવિક જીવનમાં.
ગુજરાતી નવલકથા ક્ષેત્રે અતિ લોકપ્રિય લેખક હરકિસન મેહતાની `જગ્ગાડાકુનાં વેરનાં વળામણાં'ની કથા અનેક રીતે રોચક છે-યાદગાર છે. વેર લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ પર અનેક હિન્દી ફિલ્મો આવી ગઈ છે. જોકે એમાંની કેટલીક જે સફળ રહી એ મૂળ અંગ્રેજી ફિલ્મો પર આધરિત હતી. એમાંથી નોંધનીય કહેવાય એવી એક હિન્દી ફિલ્મ હતી `આશિકી' ફિલ્મ ફેમ અનુ અગ્રવાલની `ખલનાયિકા' (મૂળ અંગ્રેજી ફિલ્મ: The Hand That Rocks The Cradle આવી જ હોલિવૂડની એક યાદગાર ફિલ્મ છે: I Spit On Your Grave. જેમાં એક યુવા લેખિકા નવી નવલકથા લખવા એના વીક એન્ડ હોમમાં આવે છે ત્યારે એના એકાંતમાં ગામના ચાર યુવાનો એના પર અધમ બળાત્કાર કરે છે. આ યુવા લેખિકા ક્રાઈમ થ્રિલર કથા આલેખવામાં માહેર છે. પોતાના પર થયેલા બળાત્કારનું વેર વાળવા લેખિકા એક ચાલ ખેલે છે. પેલા ચારેય બળાત્કારીઓ સાથે 'દોસ્તી' કરે છે પછી પોતાની પ્રેમ જાળમાં ફસાવી પેલાઓની એક પછી એક નિર્મમ હત્યા કરી -દફનાવી એમની કબર પર વેરભરી ધ્રૂણાથી થુંકે છે.
જોકે, જેમ ક્યારેક આવી કલ્પના કરતાં સત્ય વધુ રોચક હોય છે તેમ વેરની કેટલીક સાચી ઘટના પણ ભારોભાર અચરજભરી હોય છે. વેરની અદ્ભુત વસૂલાતનો એક કિસ્સો જાણવા જેવો છે...
56 વર્ષની એક મહિલા નામે મરિયમ માટિર્નેઝ દસ જેટલી એવી વ્યક્તિની શોધમાં હતી, જેમણે એની 20 વર્ષની દીકરીનું અપહરણ કર્યું પછી ખંડણી રૂપે તગડી રકમની માંગણી કરી, જે મરિયમ સમયસર આપી ન શકી એટલે એની દીકરી પર બળાત્કાર કરીને એની હત્યા કરી નાખી. લાંબા સમય સુધી પોલીસ અપરાધીઓને શોધી ન શકી પછી મા મરિયમે વેરની વસૂલાત લેવાનું નક્કી કર્યું અને જ્યારે વેર વાળવાની વાત આવે ત્યારે પુરુષ કરતાં સ્ત્રી વધુ ઝિદ્દી હોય છે.
દીકરી પર બળાત્કાર પછી હત્યા કરનારી ગુનેગાગારોની ગેન્ગ બહુ બદનામ હતી અને મેકિસકો-ટેક્સાસ બોર્ડર પર વધુ કાર્યરત હતી એટલે ત્યાંના પોલીસ સ્ટેશનો પરથી ગેન્ગના ગુનેગારોની પૂરતી ઓળખ-ફોટા, વગેરે મેળવીને મરિયમ નીકળી પડી. પર્સમાં પોતાની બેંક બચતની થોડી રકમ અને હૈયે હામ ભરીને એ નીકળી પડે. હા, એ સાથે લીધી એણે ફૂલ્લી લોડેડ ગન વેર વાળવા માટે !
અપરાધી હાલમાં ક્યાં છે એની ભાળ મેળવવા મરિયમ અપરાધીઓના પરિવારને મળતી ભાતભાતનાં બહાનાં લઈને-ક્યારેક સુધરાઈના કર્મચારી તો કયારેક વસતિ ગણતરીના વર્કર તરીકે તો ક્યારેક જૂના મિત્ર રૂપે મેક્સિકો -ટેકસાસ બોર્ડર પર. ઘણાં મહિનાની આવી સખત રઝળપાટ કરીને મેળવેલી માહિતિ પોલીસને પહોંચાડીને મરિયમે પાંચ અપરાધીને ઝડપાવી દીધા!
`આ વન વુમન ડિટેકિટવ સ્કવૉડ' મરિયમએ જે રીતે શોધ કરી ગુનેગારોને પકડાવી દીધા એ વાત છાપાં-ટીવીમાં બહુ ગાજી હતી એટલે એની ઓળખ- તસવીરો જાણીતી થઈ ગઈ, પણ મરિયમની શોધ હજુ પૂરી નહોતી થઈ એટલે બાકીના ગુનેગારો એને ઓળખી ન લે એ માટે મરિયમે પોતાનો હુલિયો-દેખાવ સુધ્ધાં પલટાવી નાખ્યો. સ્વાંગ પલટી-વેશપલ્ટો કરી ફરી એ બાકીના અપરાધીઓની શોધમાં લાગી ગઈ. એમાં એને બાતમી મળી કે પેલી ગેંગનો લીડર ટેકસાસ બોર્ડર નજીકના ટાઉનમાં ફ્લોરિસ્ટ-ફૂલ વેંચનારા તરીકે વસી ગયો હતો. મરિયમ એ ફૂલ વેંચતો એ જગ્યાએ પહોંચી ગઈ, પણ પેલો ન જાણે કેમ એને ઓળખીને ભાગવા ગયો, પણ બળુકી મરિયમે દોડીને પેલાને પાછળથી કોલર પકડીને જમીન પર પછાડી એના પર ચઢી બેઠી. પેલાને લમણે ગન ધરી રાખી. પોલીસે આવીને પેલા અપરાધીને ઝબ્બે કર્યો પછી જ મરિયમ ત્યાંથી ખસી.
આવી બહાદુરી બતાવીને મરિયમે 10માંથી 9 અપરાધીને ખુદ ઝબ્બે કરીને જેલ ભેગા કર્યા, પણ છેલ્લાને પકડવા ગઈ ત્યારે થોડી સેક્નડ્સ માટે એના નસીબે દગો કર્યો. પેલા ખૂનખાર અપરાધીની સામે એ પહોંચી પછી એની સામે ગન ધરી, પણ પેલાએ ચીલઝડપે એને વીંધી નાખી. મરિયમ જમીન પર ફસડાઈ ત્યારે એની આંગળી ટ્રીગર પર જ હતી. કાશ,એને એકાદ સેક્ન્ડ વધુ મળી હોત તો એની દીકરીના ક-મોતના વેરની વસૂલાત મમ્મી મરિયમ માટે પૂરી થઈ જાત.
ખેર, હમણાં પણ કોઈ માસુમ બાળાના અપહરણ-બળાત્કાર - હત્યાની આવી ઘટના ત્યાં મેકસિકો બોર્ડર પર થાય છે ત્યારે પણ લોકો મરિયમ માટિર્નેઝની વેર-વીરતાની વાત બહુ અહોભાવથી યાદ કરે છે.
થોડી સી બવફાઈની બડી સજા..
મેક્સિકો બોર્ડરવાળી મરિયમ માર્ટિનેઝનો ઝનૂનભર્યો વેરનો કિસ્સો આપણે જાણ્યો. જોકે બધી જ મહિલા સ્વભાવે મરિયમ જેવી ઝનૂની નથી હોતી. મોટા ભાગની માનૂની જન્મજાત માયાળુ હોય છે. પુરુષ જેટલી ત્વારાથી એ ભાગ્યે જ ગુસ્સે થાય. વેરની ભાવના પણ જલદી ન રાખે. થાય ત્યાં સુધી જતું કરે.. જો કે આ બધું અમુક-તમુક શરતોની આધિન હોય છે. એક વાર એ મિજાજ ગુમાવે ને એ વેર લેવાના મૂડ અને મોડમાં આવી જાય પછી એના ક્રોધની સામે શિવજી ભગવાનની ત્રીજી આંખ પણ પાંગળી લાગે.
આમેય સ્ત્રીનું વેર કયારેય કામચલાઉ હોતું નથી. વેર વાળવાની કળામાં એ જેટલી પારંગત હોય છે એટલી જે એ વેરનાં વળામણાં વખતે અલાસ્કાથી પણ વધું ઠંડીગાર હોય છે.
એનો આ તાજો દાખલો જાણી લો `રેડિટ' (એટલે કે `આ રીડ ઈટ' ) નામની એક સોશ્યલ મીડિયાની સાઈટ છે, જેના પર એના યુઝર્સ અવનવા સમાચાર પણ પોસ્ટ કરે છે. હમણાં એક યુઝરે આ કિસ્સો ટાંક્યો પછી એને લઈને ઘણાએ પોતાની પ્રતિક્રિયા પણ વહેતી કરી છે.
એક યુગલ છે. માઈક અને કેટી. એમને એક નાની દીકરી. બન્ને જોબ કરતાં હતાં, પણ સંજોગવશાત કેટીએ જોબ ગુમાવી. આ તરફ, એનો પતિ માઈક એના એક મિત્ર વિલિયમની પત્ની ઈમાના પ્રેમમાં પડ્યો. એમના આ છૂપા પ્રેમની જાણ વિલિયમને થઈ. વિલિયમે આ વાત એના મિત્ર માઈકની પત્ની કેટીને કરી. કેટી તો પતિની આવી બેવફાઈથી રોષે ભરાઈ. ઈમાનો પતિ વિલિયમ પણ તડફડ કરી નાખવાના મિજાજમાં આવી ગયો, પણ પછી કેટીએ એને સમજાવીને ટાઢો પાડીને કહ્યું : `આપણે રાહ જોઈએ તારી પત્ની અને મારો પતિ હવે આગળ શું કરે છે.'
થોડા દિવસ વીત્યા. પેલી ઈમા અને કેટીનો પતિ માઈકનું `ઈલ્લુ..ઈલ્લુ' ખાનગીમાં ચાલુ રહ્યું.
આ તરફ, કેટી અને વિલિયમ પણ ગુપ્ત રીતે મળતાં રહ્યાં ને પ્લાન કરતાં રહ્યાં કે એકનો બેવફા પતિ અને બીજીની બેવફા પત્ની પર કઈ રીતે વેર વાળવું એ બન્ને છૂપી રીતે મળતાં હતાં એમાં માઈકની પત્ની કેટી અને ઈમાના પતિ વિલિયમની ઘનિષ્ઠા વધતી ચાલી. બન્ને અચ્છા મિત્ર બની ગયાં, પણ પોત પોતાના બેવફા જીવનસાથી સાથે કઈ રીતે બદલો લેવો એ નક્કી નહોતું થતું. એક સાંજે કેટીએ પોતે વિચારી રાખેલો પ્લાન કહ્યો. વિલિયમે એમાં એકે-બે સુધારા સૂચવ્યા અને પછી એ પ્લાન મુજબ એક ચોક્ક્સ દિવસે અને એક ચોક્કસ સમયે વિલિયમની પત્ની ઈમાને અને કેટીના પતિ માઈકને વકીલ તરફથી ડિવોર્સની નોટિસ મળી. પેલા બન્નેને કારણ પણ એકસરખું દર્શાવવામાં આવ્યું હતું :
લગ્નજીવનમાં બેવફાઈ!
આ તરફ, ઈમા અને માઈક કશું સમજે- વિચારે એ પહેલાં વિલિયમ અને કેટી એની નાનકડી દીકરી સાથે ઘર છોડીને અજ્ઞાત જ્ગ્યાએ ચાલ્યા ગયા અને કેટી-વિલિયમ એક ચીઠ્ઠી દ્વારા કહેતા ગયા કે `તમારા લફરાં દરમિયાન તમારા પર વેર કઈ રીતે લેવું એ માટે અમે મળતાં એમાં અમે બન્ને એકમેકના પ્રેમમાં પડી ગયાં છીએ.. હવે ડિવોર્સના ચુકાદા પછી અમે બન્ને મેરેજ કરવાના છીએ!'
તાજા કલમમાં કેટી-વિલિયમે એ પણ ઉમેર્યું કે `લગ્ન અમે કયે દિવસે કરવાના છીએ એની આગોતરી જાણ પણ તમને બન્નેને કરીશું ...ચિયર્સ!'
મોરલ ઓફ ધ સ્ટોરી અર્થાત્ આ કિસ્સાનો પદાર્થ પાઠ એ કે તમારો ભરથાર તમને ભરમાવીને બીજે આંખ લડાવા માંડે ત્યારે એની કહેવાતી `થોડી સી બેવફાઈ'ની આવી જ આકરી સજા હોય ...!