Sun Jul 19 2026

Logo

મોસ્કો નજીક ઓઇલ ડેપો અને બે મોટા લોજિસ્ટિક ગોડાઉન પર યુક્રેનનો ભયંકર ડ્રોન હુમલો, 9ના મોત

Moscow   2026-07-19 09:34:26
Author: Vimal Prajapati
Article Image

મોસ્કો/કીવ: છેલ્લા સાડા ચાર વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેને રશિયાની સરહદની અંદર ઘૂસીને એક અત્યંત મોટો અને આક્રમક ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનિયન ડ્રોન્સે મોસ્કોની આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને બે મોટા બિઝનેસ લોજિસ્ટિક ગોડાઉન અને એક વ્યૂહાત્મક ઓઇલ ડેપોપર બોમ્બમારો કર્યો છે. જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

યુક્રેનના હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત

રશિયન સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 60 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ મોસ્કો નજીકના વિસ્તારોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે આસપાસની હોસ્પિટલો અને રહેણાંક ઈમારતોને તાત્કાલિક ખાલી કરાવવાની ફરજ પડી હતી.

યુક્રેનના આત્મઘાતી ડ્રોન્સે રશિયાની પ્રખ્યાત ઓનલાઈન રિટેલર કંપની 'વાઇલ્ડબેરીઝ'ના બે કમાન્ડિંગ લોજિસ્ટિક્સ કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. આમાંનું એક ગોડાઉન તાંબોવ ક્ષેત્રના કોતોવસ્કમાં અને બીજું મોસ્કોથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા ઈલેક્ટ્રોસ્ટાલ શહેરમાં આવેલું છે. આ ઉપરાંત નોગિંસ્ક સ્થિત એક મહત્વપૂર્ણ ઓઇલ ડેપો પર પણ ડ્રોન ત્રાટક્યા હતા, જ્યાં મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા.

કોતોવસ્કમાં નાઈટ શિફ્ટ દરમિયાન હુમલો થતા 7 ના મોત થયાં

કોતોવસ્ક સ્થિત ગોડાઉન પર જ્યારે ડ્રોન હુમલો થયો ત્યારે ત્યાં નાઈટ શિફ્ટ ચાલી રહી હતી. આ અચાનક થયેલા હુમલામાં ત્યાં કામ કરતા 7 નિર્દોષ કર્મચારીઓના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. મોસ્કો અને બેલગોરોદ ક્ષેત્રમાં થયેલા હુમલામાં વધુ બે લોકોના મોત અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ કેવો દાવો કર્યો?

આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે, ‘આ કોઈ સામાન્ય નાગરિકોના ગોડાઉન નહોતા, પરંતુ રશિયાના એવા મહત્વપૂર્ણ સૈન્ય રસદ મથકો હતા જ્યાં પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ, નેવિગેશન સાધનો અને ડ્રોન બનાવવાની સામગ્રી સંગ્રહિત કરવામાં આવતી હતી’ ઝેલેન્સ્કીએ રશિયાના કબજા હેઠળના અન્ય વિસ્તારોમાં પણ તેલ ડેપો પર હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે.