Mon Jul 20 2026

Logo

ફૂડ સ્ટાઇલિસ્ટ તરીકે કારકિર્દી બનાવો

2026-07-19 10:50:00
Author: Kirti Shekhar
Article Image

 

 

 

કરિયર - કીર્તિ શેખર

 

ભારતમાં ફૂડ સ્ટાઇલિંગ એ એક ખૂબ જ સર્જનાત્મક અને ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. કહેવાય છે કે ખાવાનું પહેલાં આંખથી ખાવામાં આવે છે પછી મોઢાથી. સોશ્યલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગના જમાનામાં આ કહેવત પહેલાંથી વધુ સાચી સાબિત થઈ રહી છે. આજે કોઈ પણ હોટલનાં બર્ગર, મીઠાઈ કે થાળી આપણને મોબાઇલ સ્ક્રીન પર ખૂબ જ આકર્ષક લાગે છે. એના પાછળ ફક્ત શેફની જ મહેનત નથી હોતી, એમાં ફૂડ સ્ટાઇલિસ્ટની પોતાની રચનાત્મકતા પણ સામેલ હોય છે. જ્યારથી ફૂડ ડિલિવરીના કારોબારે રફતાર પકડી છે ત્યારથી ફૂડ સ્ટાઇલિસ્ટની માગ પણ ખૂબ જ ઝડપથી વધી છે. ચાલો જાણીએ ફૂડ સ્ટાઇલિસ્ટમાં કરીઅર કેવી રીતે બનાવાય.

 

એક ફૂડ સ્ટાઇલિસ્ટ તરીકે કારકિર્દી બનાવવી એ સ્વાદ અને કળાનું અદ્ભુત મિશ્રણ છે. ફૂડ સ્ટાઇલિસ્ટનું મુખ્ય કામ ખોરાકનેે કૅમેરામાં એટલો આકર્ષક અનેે સ્વાદિષ્ટ દેખાડવાનું છે કે જોનારનેે તરત જ ખાવાનુુંં મન થઈ જાય. 

 

ફૂડ સ્ટાઇલિસ્ટ શું કરે છે?

 

- ફૂડ સ્ટાઇલિસ્ટનું મુખ્ય કામ ભોજનને કૅમેરા સામે એવી રીતે સજાવવાનું હોય છે કે એ વધારે આકર્ષક લાગે. એનો ઉદ્દેશ ભોજનને અલગથી સ્વાદિષ્ટ બનાવવાનું નહીં, પરંતુ એની દૃશ્યાત્મક સુંદરતાને ઉભારવાનું હોય છે.

 

- ભોજન માટે આપવામાં આવતી ઍડ્વર્ટાઇઝિંગ માટે તે ફૂડનેે સજાવે છે.

 

- હોટલ, રેસ્ટોરાંના મેનુની તસવીર માટે તૈયારી કરે છે.

 

- કૂક, બુક અને રેસિપીનાં પુસ્તકો માટે સ્ટાઇલિસ્ટનું કામ કરે છે.

 

- ટીવી, કૂકિંગ શો અને વેબ સિરીઝમાં ભોજનની પ્રસ્તુતિ કરે છે.

 

- સોશ્યલ મીડિયા માટે ક્ધટેન્ટ તૈયાર કરે છે.

 

- ફૂડ બ્લૉગ અને યુટ્યૂબ ચૅનલ માટે વિઝયુઅલ તૈયાર કરે છે.

 

આપણે ટીવી પર મોંમાં પાણી લાવી દે એવા રસગુલ્લા કે કાનમાં સીટી વગાડી દે એવા સમોસા કે ચાટની ઍડ્વર્ટાઇઝ જોતા હોઈએ છીએ, એ હકીકતમાં ફૂડ સ્ટાઇલિસ્ટની જ કમાલ હોય છે.

 

શૈક્ષણિક યોગ્યતા

 

આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે ખાસ કોઈ વિશેષ ડિગ્રીની આવશ્યકતા કે અનિવાર્યતા નથી હોતી. ફક્ત સર્જનાત્મકતા અનેે પ્રસ્તુતિ  કુશળતા જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. છતાં આ ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે ન્યુનતમ શૈક્ષણિક યોગ્યતા 12મી પાસ હોવી જોઈએ, પરંતુ એના માટે યોગ્ય સ્નાતક અભ્યાસક્રમો છે - હોટલ મૅનેજમેન્ટ, કુલિનરી આટર્સ, ફૂડ પ્રોડક્શન, હોમ સાયન્સ, ઇન્ટિનિયર કે વિઝયુઅલ ડિઝાઇન, ફાઇન આટર્સ, માસ કમ્યુનિકેશન, ફોટોગ્રાફી વગેરે. આ બધા વિષયોમાં સ્નાતક થવું આ ક્ષેત્ર માટે સર્વાધિક યોગ્ય છે.

 

એક સફળ ફૂડ સ્ટાઇલિસ્ટ બનવા માટે તમારામાં અમુક કૌશલ હોવા જરૂરી છે જેવા કે રંગ અને ડિઝાઇનની સમજ, ફૂડને પ્રસ્તુત કરવાનું જ્ઞાન, કૅમેરાના એન્ગલની સમજ, ફોટાગ્રાફીની જાણકારી, લાઇટિંગની સમજ, ધૈર્ય અને રચનાત્મક વિચાર, સોશ્યલ મીડિયાના ટ્રેન્ડની જાણકારી.

 

પ્રમુખ શિક્ષણ સંસ્થા

 

ભારતમાં ઘણી પ્રતિષ્ઠિત સંસ્થા ફૂડ કુલિનરી અને હૉસ્પિટાલિટીને લગતા અભ્યાસક્રમો ચલાવે છે જેવા કે

 

- ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટલ મૅનેજમેન્ટ

 

- વેલકમ ગ્રૂપ ગ્રૅજ્યુએટ ઑફ હોટલ મૅનેજમેન્ટ

 

- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટલ મૅનેજમેન્ટ એન્ડ કુલિનરી આટર્સ

 

- નૅશનલ કાઉન્સિલ ફૉર હોટલ મૅનેજમેન્ટ ઍન્ડ કેટરિંગ ટેક્નૉલૉજી - પર્લ એકેડેમી

 

વધારાની તાલીમ 

 

આજે ઘણા ફૂડ સ્ટાઇલિસ્ટ ઑનલાઇન નાના-નાના કોર્સ પણ કરાવે છે જેવા કે પ્રૉપ સ્ટાઇલિંગ, એડોબી લાઇટરૂમ, સોશ્યલ મીડિયા બ્રાન્ડિંગ અને ક્ધટેન્ટ ક્રિયેશન. આ અભ્યાસક્રમનો ખર્ચ જોઈએ તો હોટલ મૅનેજમેન્ટના કોર્સનો ખર્ચ વર્ષે અંદાજે 80,000થી લઈને 5ાંચ લાખ રૂપિયા હોય છે, કુલિનરી આટર્સનો ખર્ચ વર્ષે એક લાખથી 6 લાખ રૂપિયા સુધી આવી શકે છે જ્યારે ઑનલાઇન ફૂડ સ્ટાઇલિસ્ટના કોર્સનો ખર્ચ પાંચ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીમાં ઉપલબ્ધ હોય છે.

 

નોકરી આપતી અગ્રણી કંપનીઓ

 

સ્વિગી ડૉટકૉમ - એ ફૂડ બ્રાન્ડિંગ અને વિઝયુઅલ ક્ધટેન્ટ માટે નિષ્ણાતો સાથે કામ કરે છે.

 

ઝોમાટો ડૉટકૉમ - એ રેસ્ટોરાં અને ફૂડ કંપનીઓ માટે વિઝયુઅલ ક્ધટેન્ટ બનાવવાની તક પૂરી પાડે છે.

 

નેસ્લે ડૉટ ઇન - જાહેરાત, પૅકેજિંગ અને પ્રચાર માધ્યમો માટે ફૂડ સ્ટાઇલિસ્ટની આવશ્યકતા રહે છે.

 

આઇટીસી હોટલ્સ ડૉટકૉમ - આ લક્ઝરી હોટલ શ્રુંખલા મેનુ અને પ્રમોશનલ સેવાઓ માટે વ્યાવસાયિકોને પોતાની પાસે રાખે છે.

 

હલ્દીરામ્સ ડૉટકૉમ - પોતાનાં ઉત્પાદનો અને ઍડ્વર્ટાઇઝિંગ માટે આકર્ષક ફૂડ પ્રસ્તુતિ પર વિશેષ ધ્યાન આપે છે. 

 

આ ઉપરાંત બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, અમુલ, મેક્ડોનલ્ડ ઇન્ડિયા, ડૉમિનોઝ પિત્ઝા ઇન્ડિયા, ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીઓ, પ્રોડક્શન હાઉસ, ઈ-કૉમર્સ કંપનીઓ, યુટ્યૂબ ચૅનલ અને રેસ્ટોરાં સમૂહ પણ રોજગારનો અવસર પ્રદાન કરે છે.

 

પગાર અને કમાણી

 

શરૂઆતમાં પગારધોરણ વાર્ષિક 3થી 5 લાખ રૂપિયા હોય છે જે 3થી 5 વર્ષના અનુુભવ બાદ 6થી 12 લાખ રૂપિયા થઈ જાય છે, જ્યારે વરિષ્ઠ ફૂડ સ્ટાઇલિસ્ટને વાર્ષિક 12થી 20 લાખ રૂપિયા મળી જાય છે. આ ક્ષેત્રમાં ફ્રિલાન્સ માટે પણ ભરપૂર તક છે. એક અનુભવી ફૂડ સ્ટાઇલિસ્ટને પ્રતિ પ્રોજેક્ટ 10 હજાર રૂપિયાથી એક લાખ કે એનાથી પણ વધુ મળી શકે છે. આ ઉપરાંત તમે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો, પરંતુ એના માટે ફૂડ સ્ટાઇલિસ્ટ સ્ટુડિયોની જરૂર પડે છે જ્યાં મેનુ માટે ફોટો શૂટ કરવામાં આવે છે. તમે સોશ્યલ મીડિયા ક્ધટેન્ટ એજન્સી પણ ચલાવી શકો છો અને ફૂડ બ્રાન્ડ્સ માટે વિઝ્યુઅલ ક્ધસલ્ટન્ટ પણ બની શકો છો. એકંદરે આ ક્ષેત્રમાં શાનદાર કરિયરની ભરપૂર સંભાવનાઓ છે, કારણ કે ભારતમાં ફૂડ સર્વિસ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.