Mon Jul 20 2026

Logo

જમ્મૂ કાશ્મીરમાં વરસાદથી તબાહી: પૂર-ભૂસ્ખનલથી 11ના મોત, અનેક લાપતા; બધી યાત્રાઓ સ્થગિત

2026-07-19 15:12:30
Author: Mumbai Samachar Team
Article Image

જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદે રવિવારે ભારે તબાહી મચાવી દીધી. પૂંચ અને રાજૌરી જિલ્લા સૌથી વધુ પ્રભાવિત રહ્યા, જ્યાં અચાનક આવેલ પૂર, ભૂસ્ખલન અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લોકો લાપતા હોવાનું અનુમાન છે. સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. હવામાન વિભાગ તરફથી 23 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરાયા બાદ વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા અને શિવખોડી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

પૂંચમાં સૌથી વધુ તબાહી, અનેક ગામો પ્રભાવિત

સૌથી વધુ નુકસાન પૂંચ જિલ્લાના સુરણકોટ અને હવેલી વિસ્તારમાં થયું છે. સુરણકોટના લોઅર મુર્રા ગામમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં એક મકાન કાટમાળ નીચે દબાઈ ગયું. આ અકસ્માતમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય છ લોકો, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે, તેઓ હજુ પણ લાપતા છે. રાહત અને બચાવ કામગીરીની ટીમો સતત શોધખોળ અભિયાન ચલાવી રહી છે.

રાજૌરીમાં ફ્લેશ ફ્લડ (અચાનક પૂર), સેંકડો લોકોને સુરક્ષિત બહાર કઢાયા

રાજૌરીમાં શનિવાર રાતથી સતત થઈ રહેલા વરસાદ બાદ રવિવાર સવારે અચાનક ફ્લેશ ફ્લડ આવી ગયું. દરહાલી, ખાંડલી, સુકતોહ અને જમોલા સહિતની તમામ નદીઓ જોખમી નિશાનની આસપાસ અથવા તેનાથી ઉપર વહેવા લાગી.

દરહાલી નદીએ બેલા કોલોની પાસે પૂર સુરક્ષા દીવાલ તોડી નાખી, જેના કારણે પાણી સીધું નવા બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયું. અનેક વાહનો તણાઈ ગયા અથવા પાણીમાં ડૂબી ગયા. અબ્દુલ્લા બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જવાથી 50થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. તારિક બ્રિજ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું હતું, ત્યાર બાદ પોલીસ અને વહીવટીતંત્રે લોકોને તાત્કાલિક ઘર ખાલી કરાવવાનું અભિયાન ચલાવ્યું હતું.

રાહત અને બચાવ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, સેના, SDRF અને સ્થાનિક સ્વયંસેવકો સંયુક્ત રીતે જોડાયેલા છે. વહીવટીતંત્રે રાજૌરીની સરકારી બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલમાં રાહત અને પુનર્વસન કેન્દ્ર શરુ કર્યું છે, જ્યાં પ્રભાવિત પરિવારોને અસ્થાયી આશ્રય આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલે સંભાળી કમાન

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીનો પોતાનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને જમ્મુ પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા લોકોના જીવ બચાવવા અને પ્રભાવિત પરિવારો સુધી તમામ શક્ય સહાય પહોંચાડવાની છે.

અમિત શાહે એલજી સિન્હા અને સીએમ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, તમામ શક્ય મદદની આપી ખાતરી

જમ્મુ-કાશ્મીરના પૂંચ અને રાજૌરીમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી. શાહે પ્રભાવિત લોકોની સુરક્ષા અને રાહત કાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી છે, જ્યારે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે બચાવ અભિયાન ચલાવી રહ્યું છે.

.