Mon Jul 20 2026

Logo

મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની ચેતવણી: કોંકણ ઘાટ પરિસરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા

2026-07-19 22:42:36
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ, થાણે સહિતના પડોશી જિલ્લામાં રવિવારે દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. વરસાદને પગલે ફરી એક વખત વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. હવામાન વિભાગે આજે પણ મુંબઈ સહિત થાણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે રવિવાર માટે યલો અલર્ટ આપ્યું હતું, એ મુજબ દિવસ દરમ્યાન મુંબઈ, થાણે, નવી મુંબઈ જેવાં શહેરોમાં વરસાદના ઝાપટાં રહ્યાં હતાં. શનિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં ૨૧.૬૫ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૩૦.૦૨ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૨૫.૧૨ મિ.મી. વરસાદ પડ્યો હતો.

ગયા અઠવાડિયે વરસાદે બ્રેક લીધા બાદ છૂટક છૂટક વરસાદને પગલે જુલાઈ મહિનાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ ૬૩.૫૬ ટકા થઈ ગયો છે.  રવિવારના વરસાદ અને પવનને કારણે દિવસ દરમ્યાન ૧૬થી વધુ ઠેકાણે શોર્ટ સર્કિટના બનાવ બન્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન અલગ અલગ ૧૨થી વધુ જગ્યાએ ઝાડ અને તેની ડાળખી તૂટી પડી હતી. ચાર ઠેકાણે ઘરની દીવાલ તૂટી પડી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.

જોકે રવિવારે વહેલી સવારના ૭.૪૩ વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ર્ચિમમાં વિલેજ રોડ ચોકી પાસે ફૂટપાથનો અમુક ભાગ ધસી પડ્યો હતો, જેને કારણે ત્યાં પાર્ક કરેલી બે ટૂ વ્હિલર નાળામાં પડી ગઈ હતી. એક ટૂ વ્હિલરને બહાર કાઢવામાં આવી હતી તો બીજી પાણીમાં વહી ગઈ હતી.

બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સર્જાવાને કારણે મહારાષ્ટ્રમાં તેની અસર હેઠળ હાલ વરસાદ પડી રહ્યો છે. ત્રણ-ચાર દિવસ તેની અસર હેઠળ મુંબઈ, થાણે, પાલઘર સહિત રાજ્યમાં વરસાદની શકયતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને કોંકણ, ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પરિસરમાં મુશળધારથી અતિમુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના અંદાજ મુજબ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પરિસરમાં વીજળીના ગડગડાટ સાથે કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની સાથે જ મુશળધારથી અતિમુશળધાર વરસાદની શકયતા છે. કોંકણ-ગોવા વિભાગના જિલ્લામાં પણ અમુક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના જિલ્લામાં અમુક ઠેકાણે વીજળીના ગડગડાટ સાથે હલકાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ અને કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. ઉત્તર મહારાષ્ટ્રના ઘાટ પરિસરમાં પણ અમુક ઠેકાણે વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદનો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.