Mon Jul 20 2026

Logo

ટાટાનો મોટો પ્લાન: આગામી 18 મહિનામાં એર ઇન્ડિયાના કાફલામાં જોડાશે 50થી વધુ નવા વિમાનો!

Abu Dhabi   2026-07-19 20:40:19
Author: Mumbai Samachar Team
Article Image

અબુ ધાબીઃ એર ઈન્ડિયા ગ્રુપ આગામી 18 મહિનામાં તેના કાફલામાં 50થી 60 નવા વિમાનો સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપતા કહ્યું હતું કે એરલાઈનની મહત્વાકાંક્ષી પરિવર્તન યોજના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, જોકે ઉડ્ડયન ક્ષેત્રે અનેક અણધાર્યા પડકારોનો સામનો કરવો પડ્યો છે.

એર ઈન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર અને એર ઈન્ડિયા એક્સપ્રેસના ચેરમેન નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખ્યા છે. તેમણે જણાવ્યું ક  આ પરિવર્તન ઝૂંબેશ જટિલ અને પડકારજનક રહી છે. નોંધનીય છે કે ટાટા ગ્રુપે જાન્યુઆરી 2022માં ખોટમાં ચાલી રહેલી એરલાઈન એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.

અગ્રવાલે કહ્યું કે ઉડ્ડયન ઉદ્યોગે સપ્લાય ચેઈનમાં અડચણો, એરસ્પેસની સમસ્યાઓ, ઈંધણના ભાવમાં વધઘટ અને ભૂરાજકીય ઘટનાઓ સહિત અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. આમ છતાં એરલાઈન યોજના મુજબ આગળ વધી રહી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયા ગ્રુપ પાસે આશરે 600 વિમાનોના ઓર્ડર છે અને તેમાંથી 10 ટકાથી ઓછા વિમાનો ડિલિવર થયા છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં ડિલિવરી ઝડપી બનશે. આગામી સાત થી આઠ વર્ષ સુધી દર વર્ષે આશરે 50થી 60 નવા વિમાનો મળવાની અપેક્ષા છે, જેમાં 10 થી 15 વિશાળ આકારના વિમાનો અને 45થી 50 નાના આકારના વિમાનોનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે કંપનીને જૂના વિમાનો અને જૂના કેબિનોને કારણે કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સુધરી રહી છે. કાફલાના આધુનિકીકરણ અને વિમાન અપગ્રેડની પ્રક્રિયા ઝડપી બની છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ આવતા વર્ષે માર્ચ સુધીમાં તેના વિમાનોને એકસમાન કાફલાથી બદલવાની યોજના પર કામ કરી રહી છે. દરમિયાન, એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનનું અપગ્રેડ આગામી વર્ષના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, જ્યારે બોઈંગ 777 વિમાનમાં વધુ સમય લાગી શકે છે. અગ્રવાલે જણાવ્યું હતું કે બોઈંગ મેક્સ-8 વિમાનોની ડિલિવરી સમયસર થઈ રહી છે. પ્રમાણપત્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી મેક્સ-10 વિમાનોની ડિલિવરી શરૂ થવાની ધારણા છે.

મધ્ય પૂર્વ કટોકટી અને ઈંધણના ભાવ દબાણને કારણે એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઇટ્સ ઘટાડવામાં આવી છે. કંપની હવે આ વર્ષના બીજા ભાગમાં શરૂ કરીને તેના નેટવર્કને મજબૂત બનાવી રહી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે આગામી થોડા મહિનામાં યુદ્ધ પહેલાના સ્તરે સેવાઓ ફરીથી શરૂ કરશે.
 
ઉપરાંત, કંપની મુસાફરોના અનુભવને સુધારવા માટે ક્રૂ અને એરપોર્ટ સ્ટાફ તાલીમ, નવી સેવા પ્રક્રિયાઓ અને ટેકનોલોજી સિસ્ટમ્સમાં રોકાણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ તાજેતરમાં ભયંકર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ગયા વર્ષે એરલાઇનનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું, જેમાં 260 લોકો માર્યા ગયા હતા.