Mon Jul 20 2026

Logo

મજબૂત એર ડિફેન્સ છતાં ઇરાનની બધી મિસાઇલો કેમ નથી રોકી શકતું અમેરિકા? કરવામાં આવ્યો મોટો દાવો

2026-07-19 12:54:00
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા અને ઇરાન વચ્ચે હવે ફૂલ સ્કેલ (સંપૂર્ણ) યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઇરાને અમેરિકા સાથેના કરારમાંથી પાછળ હટવાની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ અમેરિકા સતત ઇરાનના મિલિટરી (સૈન્ય) અને સિવિલ (નાગરિક) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી રહ્યું છે. ઇરાન પણ કુવૈતથી લઈને જોર્ડન સુધી મિસાઇલ હુમલા કરીને કહેર વર્તાવી રહ્યું છે. ત્યારે અમેરિકાની ચિંતા વધી ગઈ છે કારણ કે તે ઇરાનની બધી મિસાઇલો રોકી શકતું નથી. જાણો આ અંગે શું નવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઇરાને પોતાની મિસાઈલ વ્યૂહરચનામાં કર્યો ફેરફાર

અમેરિકી અખબાર WSJ (વોલ સ્ટ્રીટ જર્નલ) ના અહેવાલ મુજબ, ઇરાને અમેરિકી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવા માટે પોતાની મિસાઈલ વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે.

ઇરાનની મિસાઇલો હવે અત્યંત ઝડપી ગતિએ ઉડાન ભરી રહી છે.

આ મિસાઇલો લક્ષ્ય (ટાર્ગેટ) પર પહોંચતા પહેલા અચાનક દિશા બદલવામાં સક્ષમ છે, જેના કારણે તેને રોકવી વધુ મુશ્કેલ બની જાય છે.

સૈન્ય મથકો પર સચોટતાથી પ્રહાર કરી રહ્યું છે ઇરાન

અમેરિકી સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) એ બાબતને લઈને ચિંતિત છે કે ઇરાન સંવેદનશીલ સૈન્ય મથકોને ભારે સચોટતા સાથે નિશાન બનાવી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે આ નવી વ્યૂહરચના અમેરિકી એર ડિફેન્સ માટે પડકારરૂપ બની રહી છે.

જોર્ડનના હુમલામાં 2 સૈનિકોના મોત

નોંધનીય છે કે ઇરાને પોતાના તાજેતરના હુમલામાં અમેરિકાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઇરાને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર મિસાઈલ એટેક કર્યો છે. આ હુમલામાં 2 અમેરિકી સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર છે, જ્યારે એક અમેરિકી સૈનિક લાપતા છે. આ ઉપરાંત, ઘણા સૈનિકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

ઇરાનની મિસાઇલને રોકી ન શકી એર ડિફેન્સ સિસ્ટમ

ઇરાન તરફથી એક પછી એક એમ અનેક બેલિસ્ટિક મિઝાઇલો જોર્ડનના મુવફ્ફક સાલ્ટી એરબેઝ પર દાગવામાં આવી. આમાંથી એક મિસાઇલ અમેરિકી એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપીને સીધી નિશાન પર લાગી, જેને કારણે એરબેઝ પર ભારે તબાહી મચી ગઈ છે.

અમેરિકાએ વળતો પ્રહાર કરતા ઇરાન પર ફરી બોમ્બ વરસાવ્યા

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ થમવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાએ સતત આઠમી રાત્રે પણ ઇરાન પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પોતે આ હુમલાઓને મંજૂરી આપી હતી અને આ કાર્યવાહી જોર્ડનમાં બે અમેરિકી સૈનિકોના મોતના જવાબમાં કરવામાં આવી છે.