Mon Jul 20 2026

Logo

ઇમોશનલ ડિપેન્ડન્સી કે ઇમોશનલ અત્યાચાર?

2026-07-19 10:46:00
Author: Jui Parth
Article Image

 

 



 

જૂઈ પાર્થ

 

ભદ્રા અરે ઓ ભદ્રા ચાને કેટલી વાર હવે? સવાર સવારમાં આટલી રાહ જોવડાવાતી હશે?’

 

સવારે સાત ને પાંચે મહેશભાઈએ ચા પીવામાં પાંચ મિનિટ મોડું થયું એટલે ઘાંટાઘાંટ કરી મૂકી, અને આ કંઈ આજનું નથી, વર્ષોથી સવારે સાતના ટકોરે ચા ટેબલ પર ના હોય તો મહેશભાઈનું મગજ જાય. ત્યારે બીજી બાજુ ભદ્રાબહેન સવારે પાંચ વાગે ઊઠીને નહાઈને પૂજાપાઠ ના પતાવે ત્યાં સુધી રસોડે ન અડે. એમાં જ કોઈ વાર પાંચ સાત મિનિટ આઘુંપાછું થઈ જાય. 

 

મહેશભાઈ કેટલાય ચીડાય પણ ભદ્રાબહેનના પેટનું પાણી ના હલે,  કેમ કે એ પણ તો ટેવાઈ ગયાં છે મહેશભાઈના આ સ્વભાવથી! ભદ્રાબહેને સ્વીકારી લીધું છે કે મહેશભાઈ ભલે ગમે તેમ બોલે પણ લાગણી છે તો હક કરે છે ને!

 

આપણા સૌના જીવનમાં કેટલીક આદતો એવી હોય છે જે આપણા માટે સારી હોય છે, જેમ કે સમયસર કામ કરવું, પૌષ્ટિક ખાવું, ચોખ્ખાઈ રાખવી વગેરે. જ્યારે કેટલીક  કુટેવ, દુરાગ્રહ, જીદ, હઠ કે પછી વ્યસનનું સ્વરૂપ લઈ લે છે. આ આપણા માટે તો ખરું જ, પણ આપણી આસપાસના લોકો માટે પણ નુકસાનકર્તા સાબિત થાય છે. જેમ વસ્તુની આદત લાગે તેમ વ્યક્તિનું વળગણ. ના ના આ કોઈ અંધશ્રદ્ધાવાળા વળગણની વાત નથી. કોઈને વધુ પડતો પ્રેમ કરવો કે નફરત કરવી, બાળકોનું જરૂર કરતાં વધારે પડતું ધ્યાન રાખવું, આદર્શ વ્યક્તિ તરીકે ઘરના બધા સભ્યોનો પડ્યો બોલ ઝીલી લેવો, જરૂર કરતાં વધુ પડતા સારા બનવું વગેરે. આમ આદતને આ  સંદર્ભે જોઈ શકાય છે.

 

આજે વાત કરવી છે એવી આદતની કે જેમાં આપણે આપણી આસપાસના લોકો પર અતિશય આધાર રાખતા થઈ જઈએ છીએ. ક્યારેક સંજોગોવશાત્ તો ક્યારેક કામ સોંપી દેવા કે પોતે ના કરવા માટે. કોઈ પણ નાનાં - મોટાં કામ, શોખ, સમય પસાર કરવા, ખુશીનો અનુભવ કરવા, હસવા, રડવા, ફરવા જવા આવા કેટકેટલા અનુભવો માટે આપણે બીજા ઉપર આધાર રાખતા હોઈએ છીએ. ધીમે ધીમે આ આધાર આદતમાં ફેરવાઈ જાય છે. બૅન્કમાં જવું હોય તો કોઈને કહેવું પડે કે ભાઈ મને જરા બૅન્કમાં લઈ જા ને બૅન્ક જેવા કામ ભૌતિક બાબત થઈ, પરંતુ વધુ જોખમી છે.

 

લાગણીઓ અને તેના માટે બીજા પર રખાતો આધાર.

 

જે વ્યક્તિ લાગણી અનુભવે તેને ઝીલનારની તેની શોધ સતત ચાલુ રહે છે. મન વારંવાર કહ્યા કરે કે પ્રેમ છે તો કહી દે, ગુસ્સો આવ્યો છે તો વ્યક્ત કરી દે, દિલ ઘવાયું છે તો રડવા એક ખભો શોધી લે. ભૌતિક આધાર કે આદતો છોડવી  સહેલી છે, પરંતુ લાગણી એક ધસમસતો પ્રવાહ છે જેમાં એક જગ્યાએ સ્થિર નથી રહી શકાતું, તેની સાથે વહેતા રહેવું પડે છે. દરેક જગ્યાએ લાગણીથી જોડાવું યોગ્ય નથી તેમ છતાં મનુષ્યનો સ્વભાવ છે કે તે લાગણીથી જ જલદી જોડાય છે. પોતાની જાત કરતાં લાગણીનું મહત્ત્વ વધે છે અને ત્યારે એ ઊભરો ઠાલવવા મન કોઈક ને કોઈક શોધે છે. અને આવી વાતોનું  પુનરાવર્તન થતાં ઇમોશનલ  ડિપેન્ડન્સી વધે એટલે કે એવી લાગણી જે આપણને પરતંત્ર બનાવે. આના કારણે સામેવાળી વ્યક્તિને આ સંબંધમાં એક પ્રકારનો ભાર- ગૂંગળામણ  વગેરે જેવી નકારાત્મકતાનો અનુભવ થાય છે. પરિણામે બન્ને વચ્ચેની લાગણીનું જ બાષ્પીભવન થઈ જાય છે. 

 

આવું શા માટે થાય? તેનાં ઘણાં કારણો હોઈ શકે. બાળપણથી હૂંફ ના મળી હોય, વધુ પડતા શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉછેર, ઘેરથી દૂર રહીને ભણતર, આત્મવિશ્વાસનો અભાવ, નકારાત્મક અનુભવો, માતા-પિતાનું લાગણી વ્યક્ત ના કરવાનું વલણ વગેરેનાં કારણે ઇમોશનલ ડિપેન્ડન્સી થઈ શકે છે, વધી પણ શકે છે. માટે કોઈ  વસ્તુ કે વ્યક્તિની એટલી આદત ના પાડવી કે જેના વિના આકુળવ્યાકુળ થઈ જવાય કે પોતાનું જીવન નિરર્થક લાગવા લાગે. કોઈના કે કશા વગર ચાલશે જ નહિંની પરિસ્થિતિમાં પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જ જોઈએ કે ક્યાંક આ ઇમોશનલ ડિપેન્ડન્સી તો નથી ને?! અને જો એવું લાગે તો એ સંબંધની માવજત કરી ઇમોશનલ ડિપેન્ડન્સીથી દૂર રહેવું જોઈએ. આપણી વધુ પડતી લાગણી સામેવાળા માટે ઇમોશનલ અત્યાચાર ન બને એ જોવું જરૂરી છે. આ વિશે બોલો, તમે શું કહો છો?