Mon Jul 20 2026

Logo

રોકાણ જગતમાં વધુ જરૂરી શું...?

2026-07-19 10:19:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

રોકાણ જગતમાં લાંબાગાળાના રોકાણનું ખાસ્સું મહત્ત્વ છે. એની સાથે અગત્યનું છે લાંબી દૃષ્ટિ... કઈ રીતે એ જાણીએ - સમજીએ 

 

જયેશ ચિતલિયા

 

આપણને કાલની ખબર હોતી નથી, તેમ છતાં આપણે રિટાયરમેન્ટનું લાંબું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, એ શું છે? એ આપણી લાંબી દૃષ્ટિ છે. રોકાણ જગતમાં લોંગટર્મનું મહત્ત્વ એ માટે છે કે રોકાણકારોએ માત્ર સમય જોવાનો ન હોય, તેમને લોંગટર્મ દૃષ્ટિ પણ રાખવાની હોય છે.

 

જો ભારતનાં પગલાંઓ-વ્યુહરચનાઓને લાંબી દૃષ્ટિથી જોવામાં આવે તો ભારતીય અર્થતંત્રના ભાવિ વિકાસ અને મૂડીબજારના ગ્રોથના સંકેત મળી શકે છે. તેથી જ સ્માર્ટ-સમજદાર રોકાણકારો બજાર તરફ પાછા ફરવા લાગ્યા છે. શૅરબજાર જ નહીં, સમય-સંજોગો પણ સતત વૉલેટાઇલ રહ્યા કરતા હોય છે. શૅરબજાર હોય કે અન્ય કોઈ પણ રોકાણ હોય લાંબા ગાળાનું મહત્ત્વ કાયમ રહેશે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાનના યુદ્ધે જગતને માથે લીધું છે, એ બંધ કરવાની સમજૂતી થઈ છે એ હજી લોકો પચાવે ત્યાં તો યુદ્ધના શાબ્દિક અને વાસ્તવિક બૉમ્બબાર્ડિંગ શરૂ થઈ જાય છે, જેને લીધે અર્થતંત્ર અને શૅરબજાર પર નેગેટિવ અસર થવા માંડે છે. જોકે હવે આપણા દેશમાં સર્જાઈ રહેલા સંજોગો અનુસાર ભારતીય અર્થતંત્ર અને મૂડીબજાર યુદ્ધના કપરા સંજોગોમાં ધીમા પડ્યા, પરંતુ તૂટી ગયા નહીં, કેમ કે ભારતમાં આ ક્ષમતા સમય સાથે મજબૂત થતી ગઈ છે. ક્રૂડ અને કરન્સીની ક્રાઇસિસ સામે પણ ભારત ટકી શક્યું એ સમજવા માટે લાંબી દૃષ્ટિ રાખવી જરૂરી છે.

 

ફૉરેન ઇન્વેસ્ટર્સ સતત નેટ સેલર્સ રહ્યા બાદ નેટ બાયર્સ બનતા જાય છે, ફૉરેન ઇન્વેસ્ટર્સ પાછા ફર્યા હોવાના આંકડાકીય પુરાવા કહે છે, એક સપ્તાહમાં જ એક અબજ ડૉલરથી વધુ વિદેશી રોકાણ ભારતીય બજારમાં આવ્યું છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થાઓના મતે આ રોકાણ પ્રવાહ હજી વધશે. વિવિધ ગ્લોબલ કંપનીઓ પણ ભારતમાં સીધું રોકાણ વધારવા કતારમાં છે.

 

બીજી બાજુ દેશની અંદર પણ નવા રોકાણકારોની સંખ્યા વધતી જાય છે, જેના પુરાવા રૂપે નવાં ડિમેટ એકાઉન્ટ્સ ફરી મોટી સંખ્યામાં ખૂલવા લાગ્યાં છે. જૂન મહિનામાં ડિમેટ એકાઉન્ટ્સની વૃદ્ધિ ફરી શરૂ થઈ. આ મહિનામાં 25 લાખથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ ખૂલ્યાં છે, સેન્સેક્સ અને નિફટી બંનેમાં વધઘટ સાથે સુધારો ચાલુ થયો છે. ફેબ્રુઆરીમાં 28 લાખથી વધુ નવાં ડિમેટ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. એ પછી માર્ચથી મેમાં ગતિ મંદ પડી, જે જૂનમાં ફરી તેજ બની, કારણ કે ઓવર ઑલ માર્કેટમાં રિકવરીનો ટ્રેન્ડ નોંધાયો. હાલ ડિમેટ એકાઉન્ટ્સની કુલ સંખ્યા 23 કરોડ ઉપર પહોંચી ગઈ છે.

 

આપણે લાંબી દૃષ્ટિ સાથે એ પણ જોવું જોઈએ કે ટૅરિફની ઘટના બાદ ભારતે અનેકવિધ અગ્રણી દેશો સાથે વેપાર કરાર કર્યા છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, જપાન, ઈટાલી, ઇન્ડોનેશિયાનાં તાજેતરનાં ઉદાહરણ આપણી નજર સામે છે. ભારતે યુરોપિયન યુનિયન સહિત અન્ય દેશો સાથે વેપાર સંબંધો વધારવાની બાબતને ગતિ આપી દીધી હતી. ભારતીય અર્થતંત્રની ક્ષમતા પુરવાર કરતી બાબતોમાં ભારતીય કરન્સી રિકવર અને સ્થિર થઈ રહી છે, કૉમોડિટીઝના ભાવ પણ વધતાં અટક્યા છે. કૉર્પોરેટ પરિણામમાં સુધારાના સચોટ સંકેત દેખાવા શરૂ થયા છે.

 

આના  સમાંતરે  રિટેલ ઇન્વેસ્ટર્સ સ્વરૂપે હવે ઝેન-જી વર્ગ વધુ સક્રિય થયો છે, તેમનું માર્કેટમાં રોકાણ વધતું જાય છે. 2019-’20થી લઈ 2025-’26 સુધીમાં કુલ રોકાણકારોની સંખ્યામાં યુવા વર્ગનો હિસ્સો વધ્યો છે, જેની વૃદ્ધિની ઝડપ પણ વધી રહી છે. 

આઇપીઓની કતાર શરૂ થઈ  ચૂકી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ બાયર્સ હતા અને હજી પણ દમદાર જ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણકારો ઇક્વિટીલક્ષી યોજનાઓમાં તેમ જ એસઆઇપી (સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં પ્રવાહ અને પ્રમાણ વધારી રહ્યા છે. જોકે સેક્ધડરી માર્કેટ બુલિશ બને ત્યારે પ્રાઇમરી માર્કેટ પણ વેગ પકડે છે, જેમાં રોકાણકારોએ સિલેક્ટિવ બનવું પડે.

 

આગામી મહિનાઓમાં જંગી આઇપીઓ માર્કેટમાં પ્રવેશવાના છે ત્યારે  ગ્લોબલ સંકેત પૉઝિટિવ થતા જાય છે, ક્રૂડના ભાવ ઘટાડાતરફી બન્યા છે, રૂપિયો તૂટતો અટકીને સુધારાતરફી બન્યો છે. ચોક્કસ ગ્લોબલ એક્સચેંજિસમાં એઆઇ સ્ટૉક્સ ઊછળ્યા, તેમાં રૅલી ચાલી, ઇન્વેસ્ટર્સ તે તરફ ખેંચાતા ગયા એ પછી આ સ્ટૉક્સ ક્યાંક તૂટ્યા અને સ્થિર પણ થયા. આઇટી સ્ટૉક્સ સુધરતા જાય છે. 

 

બાય ધ વે, યાદ રહે કે ભારત સામે પડકારો વધતા જાય છે તેમ ભારત વધુ સક્ષમ પણ બનતું જાય છે...!