Mon Jul 20 2026

Logo

અમરેલીમાં નદીના ખનન રોકવા માટે સુરત, અમદાવાદથી ગામડે પહોંચ્યા યુવાનો! કીધું 'હવે એક તગારું પણ રેતી નહીં લઈ જવા દઈએ'

2026-07-19 22:36:35
Author: Devayat Khatana
Article Image

અમરેલી: આજે રાજ્યના અનેક ગામડાઓમાં નદી, ડુંગર, ગૌચર સહિતના કુદરતી સંસાધનો પર ખનીજ માફિયાઓએ બેફામ ખનન કરીને આણ વરતાવી છે. ત્યારે અમરેલી જિલ્લાના એક ગામે આગવી પહેલ કરી છે અને આખા ગામે ભેગા મળીને ખનીજ માફિયાઓની સામે લડત અપાવીને 'શેત્રુંજી બચાવો' અભિયાનની શરૂઆત કરી છે.  વાત છે અમરેલી નજીકના સરંભડા ગામની કે જ્યાં સ્થાનિક શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. 

નદીમાંથી બેફામ રેતી ચોરી કરી રહેલા માફિયાઓ સામે ગામ આખું એકજૂટ થઈ ગયું છે. આ લડાઈને વધુ વેગ આપવા માટે સુરત અને અમદાવાદમાં સ્થાયી થયેલા ગામના વતનીઓ પણ માદરે વતન સરંભડા ખાતે દોડી આવ્યા હતા. તમામ ગ્રામજનોએ એકત્રિત થઈને રેતી ચોરીની આ ગંભીર સમસ્યા સામે અવાજ ઉઠાવવાનું રણશિંગુ ફૂંકી દીધું છે અને પ્રકૃતિ તથા નદીને બચાવવાનો મક્કમ સંકલ્પ લીધો છે.

આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ગ્રામજનોએ નદીના પટમાં જ બેસીને રામધૂન બોલાવી હતી અને પર્યાવરણના રક્ષણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ કલેક્ટર, એસપી અને ખાણ-ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી ગ્રામજનો હવે રસ્તા પર ઉતરી આવ્યા હતા. સરંભડાવાસીઓની આ પહેલ અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને તેઓ તંત્રને જગાડીને આ રેતી ખનનનું દૂષણ ડામવા માટે દબાણ કરી રહ્યા છે.

શહેરથી યુવાનો ગામડે આવ્યા 

આ અંગે વાત કરતાં ગામના વડીલ આગેવાન દલસુખભાઈ દુધાતે જણાવ્યું હતું કે,આજે  સરંભડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે  શહેરોમાં વસતા ગામના તમામ યુવાનોએ અહી આવીને અમને  સહકાર આપ્યો છે.  

શેત્રુજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણી બંનેને નુકસાન કરનારું છે અને આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે તેને યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા તેમણે અપીલ કરી હતી. તેમણે ગામના યુવાનોને ભેગા મળીને આ કાર્યને આગળ ધપાવવા તેમજ આગામી  દિવસોમાં કોઈ પણ જગ્યાએ ખનીજ માફિયાઓ રેતી ચોરે નહિ તેવી પ્રતિજ્ઞા લેવા હાકલ કરી હતી.  

ગામના યુવાને  જણાવ્યું હતું કે, અમારે સુરત અને અન્ય બહારથી આવેલા લોકોને બધા ભેગા થઈને  નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ. પહેલા અમારા ગામની નદીમાં રેતીનું સ્તર 10 ફૂટ જેટલું હતું અને અત્યારે નદી 10 ફૂટ જેટલી નીચી થઈ ગઈ છે, જેના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન ઊભો થયો છે અને પાણી  મળતું નથી એટલે અમે ખનીજ માફીઓના ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામમાં માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા ઊભી કરી છ.  આગામી દિવસમાં એક પણ   ખનીજ માફિયાને અમે સાંખી લેશું નહિ અને એકપણ તગારું અહીથી રેતી ભરવા દેવામાં નહી આવે".