Tue Oct 06 2026

Logo

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 2026 સંપન્ન; 7 દિવસમાં 43 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, આટલા કરોડોની આવક થઈ

2026-09-27 08:58:59
Author: Vimal Prajapati
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 2026 સંપન્ન; 7 દિવસમાં 43 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, આટલા કરોડોની આવક થઈ

અંબાજી, બનાસકાંઠાઃ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા શક્તિ, ભક્તિ અને આસ્થાનો ભાદરવી પૂનમનો મહામેળો-2026 પૂર્ણ થઈ ગયો છે. આ દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દરબારમાં દર્શનાર્થે આવ્યાં હતાં. આંકડાની વાત કરવામાં આવે તો, ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં 43 લાખ કરતા પણ વધારે ભક્તોએ મા અંબના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યાં હતાં. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા પણ આવ્યાં હતા. મેળાની પૂર્ણાહુતિ દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે મંદિરે ધજા ચઢાવી હતી. આ મેળા દરમિયાન આવેલા ભક્તોએ બહોળા પ્રમાણમાં દાન પણ કર્યું છે. આ સાથે 43 લાખ ભક્તોએ મા અંબાને નવરાત્રિનું આમંત્રણ પણ આવ્યું છે. 

સાત દિવસમાં 43,05,391 માઈભક્તોએ જગદંબાના દર્શન કર્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મહામેળાના છેલ્લા દિવસે 4,81,922 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. જ્યારે 7 દિવસમાં કુલ 43,05,391 માઈભક્તોએ જગદંબાના દર્શન કર્યાં હતાં. ગત વર્ષ કરતા આ વર્ષે મહામેળામાં લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ વખતે ભાદરવી પૂનમનો મહામેળામાં 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે તેવી મંદિર ટ્રસ્ટેને આશા હતી. મા અંબાના ચાચરચોકમાં પોલીસ પરિવારે ગરબા ખેલીને આનંદ માણ્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ વખતે એક ભક્તે પોતાનું ઓળખ ગુપ્ત રાખીને માતા અંબાને 16.500 ગ્રામનો સોનાનો હાર ભેટ ધર્યો હતો. આ હારની બજાર કિંમત 2,27,000 રૂપિયા આંકવામાં આવી છે. 

મેળા દરમિયાન 2,16,44,61 રૂપિયાની આવક નોંધાઈ

આ મેળામાં આવેલા ભક્તોએ ખુલ્લા હાથે દાન પણ કર્યું છે. આંકડાની વાત કરવામાં આવે તો, મેળાના સાતમાં દિવસે મંદિરના ભંડાર કાઉન્ટર પર રૂપિયા 33,34,104ની આવક થઈ હતી. મેળાના સાતેય દિવસની કુલ આવકની વાત કરવામાં આવે તો, ભંડાર કાઉન્ટર પર 2,16,44,61 રૂપિયાની આવક નોંધાઈ છે. આ સાથે આ મહામેળાા 7 દિવસમાં કુલ 40 લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેળાની પૂર્ણાહુતિ દરમિયાન બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે પણ  મા અંબાના ચરણોમાં અર્પણ કરી દિવ્ય ધજા હતી.

4,93,889 ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો

મંદિરે પગપાળા આવતા ભક્તો અને સંઘોએ સાત દિવસાં 4528 ધજા ચડાવી છે અને 4,93,889 ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ સાથે આ મેળા દરમિયાન કુલ 500થી વધારે યાત્રાસંઘ અંબાજી આવ્યાં હતાં. મેળામાં લોકોની સુરક્ષા માટે સારી એવી કામગીરી કરવામાં આવી હતી. ભક્તોની સુરક્ષા માટે પોલીસ 24 કલાક ખડેપગે રહી હતી. આ સાથે સમગ્ર મંદિર પરિસર અને મેળા વિસ્તાર પર 120 જેટલા CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી હતી.