ભુજઃ ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે ખાસ કરીને ખેડૂતોમાં નિરાષા વ્યાપેલી છે. તેવામાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના પરિણામે આગામી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
પશ્ચિમી વિક્ષોભના પગલે સમગ્ર રાજ્યમાં ફરી મેઘવી માહોલ સર્જાશે
વાતાવરણમાં સર્જાયેલા પશ્ચિમી વિક્ષોભના પગલે સમગ્ર રાજ્યમાં ફરી મેઘવી માહોલ ઊભો થશે. વિશેષ કરીને લાંબા સમયથી વરસાદની ઘટનો સામનો કરી રહેલા કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આ વરસાદી ગતિવિધિ રાહતરૂપ સાબિત થઈ શકે છે. જો આ વખતે સારો વરસાદ થશે તો પાકને થતા નુકસાનથી ખેડૂતોને રાહત મળશે. કારણ કે, ખેડૂતો માટે વરસાદી પાણી વરદાન સમાન છે. જેટલો વરસાદ વધારે થાય તેટલું ભૂગર્ભ જળ ઊચ્ચે આવે, જેથી બાકીની સિઝનમાં ખેતી સારી થઈ શકે.
હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આ વરસાદી ગતિવિધિ રાહતરૂપ સાબિત થઈ શકે છે.બીજી તરફ, રણપ્રદેશ કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી જનજીવનને અકળાવી રહેલા ભાદરવાના અસહ્ય ઉકળાટ અને આકરા તાપમાં આંશિક રાહત નોંધાઈ છે. દરિયાઈ પવનોની ગતિ વધવાને કારણે મહત્તમ તાપમાનનો પારો, જે અગાઉ 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો, તે ઘટીને ૩૪થી ૩૨ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવા પામ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)